વિધાનસભામાં લમ્પી વાયરસ મુદ્દે પ્રશ્ન ન પૂછવા દેતા ભારે હોબાળો, કોંગ્રેસે કર્યું વોક આઉટ

ગાંધીનગર: વિધાનસભામાં (Gujarat Assembly) ચોમાસુ સત્રના બીજા દિવસે કોંગેસના ધારાસભ્યો દ્વારા વોક આઉટ કરવામાં આવ્યું હતું. લમ્પી વાયરસ મુદ્દે પુંજા વંશને પ્રશ્ન ન પૂછવા દેતા…

gujarattak
follow google news

ગાંધીનગર: વિધાનસભામાં (Gujarat Assembly) ચોમાસુ સત્રના બીજા દિવસે કોંગેસના ધારાસભ્યો દ્વારા વોક આઉટ કરવામાં આવ્યું હતું. લમ્પી વાયરસ મુદ્દે પુંજા વંશને પ્રશ્ન ન પૂછવા દેતા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોના સૂત્રોચ્ચાર સાથે પોતાની બેઠક પરથી ઉભા થઈ ગયા હતા. તેમણે ગૃહમાં જ લમ્પી વાયરથી ગાય બચાવોના નારા અને સૂત્રોચ્ચાર લગાવીને વોક આઉટ કર્યું હતું.

લમ્પીથી ગાયો મરી તેવા પશુ પાલકોને વળતર ચૂકવવા માંગ
કોંગ્રેસના વોક આઉટ બાદ ધારાસભ્ય પુંજા વંશે કહ્યું કે, કોરોનાની જેમ સરકાર લમ્પી વાયરસને કન્ટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડી છે. જો સરકારે યોગ્ય સમયે પગલા લઈને ગાયોમાં રસીકરણ કર્યું હોત તો આજે કેટલીય ગાય માતાઓના મોત થતા બચાવી શક્યા હોત. લમ્પી વાયરસથી જે પશુ પાલકની ગાય મરી છે તેમને પણ યોગ્ય વળતર ચૂકવે તેવી અમારી માગણી છે. આજે ગાય 25 હજારથી લઈ 2 લાખ સુધી ગાયની કિંમત છે. રાજ્ય સરકાર જિલ્લાવાર સર્વે કરાવી ગાયનું વળતર ચૂકવે. અત્યારે પણ લમ્પી વાયરસના વધતા વ્યાપને તાત્કાલિક કન્ટ્રોલ કરે. રસી અને ડોક્ટરની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તે અંગે અમે પ્રશ્ન ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, જે પૂછવા દીધો નહીં.

ગાયોને બચાવવા કરેલી 500 કરોડની જોગવાઈના પૈસા ચૂકવવા માંગ
જ્યારે ધારાસભ્ય ગેની બેને કહ્યું કે, લમ્પીથી ગાયો મરી તેના આંકડા છુપાવ્યા, માલિકોને વળતર આપ્યું નથી. ગાયોને બચાવવા 500 કરોડની જોગવાઈ કરી હતી તે પણ પશુપાલકો અને પાંજરાપોળને આપી નથી. ગાયો રામ ભરોસે અને ભગવાન ભરોસે છે. ગાયોના નામે વોટ લઈને જેણે 27-28 વર્ષ રાજ કર્યું તેમનામાં ગાયો માટે સંવેદનશીલતા બચી નથી. હું અપીલ કરું છું કે સરકાર પશુપાલકો અને ગૌશાળામાં આ પૈસા આપે.

ચોમાસું સત્રના પહેલા દિવસે કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ થયા
નોંધનીય છે કે, વિધાનસભામાં ચોમાસુ સત્રનો પહેલો દિવસે ભારે હોબાળો થયો હતો. સત્ર શરૂ થતા જ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો વેલમાં ધસી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. જે બાદ તેમને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ બાદ તમામ સસ્પેન્ડ થયેલા ધારાસભ્યોએ વિધાનસભા બહાર બેસીને મોક વિધાનસભા યોજી હતી.

(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા)

 

    follow whatsapp