દિલ્હી: ગુજરાતમાં આજે ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. જેમાં 1લી ડિસેમ્બરે 89 બેઠકો અને 5મી ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન યોજાશે. ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં તેમણે ચૂંટણી પંચ તથા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
ADVERTISEMENT
કોંગ્રેસ ચૂંટણી પંચનો આભાર માન્યો
ડો. રઘુ શર્માએ કહ્યું કે, સરકારના પ્રેશર છતાં આખરે તેમણે ચૂંટણીની જાહેરાત કરી દીધી. હિમાચલ પ્રદેશ અને ગુજરાત બંનેમાં ચૂંટણી છે અને 8 ડિસેમ્બરે જ બંનેના પરિણામ આવશે. ચૂંટણી પંચે દેશની જનતા સામે આની સ્પષ્ટતા આપવી જોઈએ. બે રાજ્યોમાં સાથે ચૂંટણી આવી રહી છે. જેમાં હિમાચલમાં ચૂંટણીની જાહેરાત તમે 14 ઓક્ટોબરે કરો છો અને બીજી ચૂંટણીની જાહેરાત તમે 3 નવેમ્બરે કરી રહ્યા છે. આ પાછળ કોઈ કારણ કે પ્રેશર હતું તેનો ખુલાસો કરવો જોઈએ.
ભાજપ પર કર્યા આકરા પ્રહાર
તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં તમે આટલો સરકારી સંસાધનોનો દુરુપયોગ કરીને કેટલા પ્રોગ્રામ કર્યા. 12-12 કરોડના ડોમ તૈયાર કર્યા, ઠેર-ઠેર સરકારી પૈસાથી હોર્ડિંગ્સ લગાવ્યા. મોરબીમાં દુર્ઘટના થઈ ત્યારે અમે તમામ કાર્યક્રમો રદ કર્યા પરંતુ પ્રધાનમંત્રી ગુજરાતમાં હોવા છતાં કોઈ સરકારી કાર્યક્રમો રદ ન થયા, અમે તેમની ટોપી પહેરેલી તસવીર જોઈ. હું સમજું છું કે ભાજપનો માનવીય સંવેદના સાથે થોડો પણ સંપર્ક હોત તો પ્રધાનમંત્રીએ સરકારી કાર્યક્રમો તો રદ કરવા જોઈતા હતા. પરંતુ ચૂંટણી પંચે તારીખો જાહેર કરવાની હતી. આચારસંહિતા લાગુ થઈ ગયા બાદ તેઓ કોઈ કાર્યક્રમ નહીં કરી શકે. એટલે સરકારી કાર્યક્રમો કરવાનું યોગ્ય સમજ્યા.
સિવિલ હોસ્પિટલના રંગરોગાન પર પણ બોલ્યા
ડો. રઘુ શર્માએ આગળ કહ્યું, સિવિલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રીની મુલાકાત પહેલા રંગરોગાન થયું. સરકારને આ ચિંતા છે કે આ હોસ્પિટલનું કલરકામ થાય, પરંતુ દર્દીની દેખરેખ કરવાની ચિંતા નથી. ચૂંટણીનો ફાયદો લેવા માટે તમને ઉતાવળમાં આ બ્રિજને ખુલ્લો મૂકી દીધો અને લોકોના જીવને જોખમમાં મૂક્યા. FIR નોંધાઈ છે તેમાં પણ કોઈના નામ નથી.
AAP પર શું કહ્યું?
આ સાથે જ ડો. રઘુ શર્માએ આ વખતે ગુજરાતમાં ચૂંટણી જીતવાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે રણનીતિ બદલવા વિશે પૂછતા કહ્યું, અમે શા માટે ભાજપની પીચ પર રમીએ. અમે અમારી રણનીતિ મુજબ ચૂંટણી લડી રહ્યા છીએ. અમે અમારા બુથને મજબૂત કર્યા છે અને ડોર ટુ ડોર પ્રચાર પર ભાર આપ્યો છે. અને પ્રધાનમંત્રી પણ જાણે છે એટલે જ તેમણે પોતાની સ્પીચમાં કોંગ્રેસનો ઉલ્લેખ કર્યો. આ સાથે જ તેમણે કહ્યું કે, AAPએ કોઈ ફેક્ટર નથી. ગુજરાતમાં બે પાર્ટીઓ વચ્ચે જ ચૂંટણી છે.
ADVERTISEMENT