વિપિન પ્રજાપતિ/પાટણઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો એ કમરકસી લીધી છે. તેવામાં અત્યારે મોટાભાગની પાર્ટીઓ ધારાસભ્યોની યાદી બહાર પાડવા માટે તડામાર તૈયારીઓ કરી રહી છે. ત્યારે કોંગ્રેસમાં દાવેદારી માટે બેઠકોનો દોર પણ શરૂ થવા પામ્યો છે. નોંધનીય છે કે રાધનપુર વિધાનસભા બેઠકને વર્ષોથી કોગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અત્યારે પણ આ બેઠક કોગ્રેસના ફાળે આવી છે. ત્યારે આગામી વિધાનસભા 2022ની ચૂંટણી મુદ્દે કોગ્રેસમાં છૂપો જૂથવાદ સામે આવવા લાગ્યો છે. હવે ચૂંટણી દાવેદારીમા સ્થાનિક ઉમેદવારની માગ સાથે કોગ્રેસના અગેવાનો દ્વારા બેઠક યોજવામાં આવી હતી. જેને લઇને રાજકીય ભૂકંપ સર્જાવા પામ્યો છે.
ADVERTISEMENT
કોંગ્રેસમાં આગેવાનોનો છૂપો રોષ
પાટણ જિલ્લામાં રાધનપુર વિધાનસભા બેઠકને વર્ષોથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં ટિકિટ મેળવવા માટે જ્ઞાતિ પ્રમાણે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. નોંધનીય છે કે પાટણ જિલ્લાની રાધનપુર વિધાનસભા બેઠક પર ઠાકોર, આહિર, મુસ્લિમ સમાજનું પ્રભુત્વ રહેવા પામ્યું છે. હવે આ તમામ સમિકરણો વચ્ચે રાધનપુરની બેઠક પરથી કોંગ્રેસમાં જૂથવાદ સામે આવી રહ્યો છે. આ દરમિયાન સ્થાનિક કોંગ્રેસના ઉમેદાવારોમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે.
અગામી ચૂંટણીમાં રાધનપુર બેઠક પર સ્થાનિક ઉમેદવારની માંગ સાથે કોગ્રેસના અગેવાનોની બેઠક રાધનપુર ખાતે યોજાઈ હતી. જેમાં ઠાકોર, આહીર, રબારી સમાજના અગેવાનોની બેઠક મળવા પામી હતી. જેમા રાધનપુર બેઠક પરથી કોગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ ઉચ્ચારવામાં આવી હતી.
અમે પાર્ટી જેને મેદાનમાં ઉતારશે એને સપોર્ટ કરીશું- ભચાભાઈ
આ બેઠકમાં આહીર સમાજના અગ્રણી ભચાભાઈ આહીરે પણ હાજરી આપી હતી. તેમને જણાવ્યું કે રાધનપુરમાં કોંગ્રેસને વિજયી બનાવવામાં અમારો ફાળો મહત્ત્વપૂર્ણ છે. અત્યારે અમારી માગ એવી છે કે સ્થાનિક ઉમેદવારોને ટિકિટ મળવી જોઈએ. જોકે ત્યારપછી પાર્ટી જે કંઈપણ નિર્ણય કરશે અમે એને સ્વીકારી લઈશું. વળી કોંગ્રેસ આ બેઠક પરથી જે કોઈપણ ઉમેદવારેને ચૂંટણીના મેદાનમાં ઉતારશે એને સપોર્ટ આપવાની વાત પણ તેમણે કરી હતી.
જોકે એક વાત ચોક્કસ છે જયારે ચૂંટણી આવતી હોય ત્યારે પાર્ટીમાં દરેક જગ્યાએ ટિકિટો લેવા માટે લાઈનો લાગી જતી હોય છે. જયારે રાધનપુર વિધાનસભામાં પણ કોંગ્રેસ માટે એવું જ કઈ સામે આવી રહ્યું છે.
ADVERTISEMENT