‘બાપુ’નું ફરી કોંગ્રેસમાં કમબેક થશે, BJPને ટક્કર આપવા કોંગ્રેસે બનાવી આ નવી ફોર્મ્યૂલા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસ એક નવી ફોર્મ્યૂલા પર કામ કરી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોંગ્રેસમાં કમબેકનો ફરી પ્રયાસ…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસ એક નવી ફોર્મ્યૂલા પર કામ કરી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોંગ્રેસમાં કમબેકનો ફરી પ્રયાસ થઈ રહ્યો છે. વાઘેલાને પાર્ટીમાં લાવવાનું મિશન પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ સંભાળ્યું છે. વાઘેલાએ મોઢવાડિયા સાથે અર્બુદા સેનાની ‘સાક્ષી હુંકાર રેલી’માં સામેલ થઈને કોંગ્રેસમાં આવવાના સંકેત આપી દીધા છે.

કોંગ્રેસના ધારાસભ્યો સાથે એક મંચ પર દેખાયા શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા ગુરુવારે મહેસાણાની સેશન્સ કોર્ટમાં જુબાની આપ્યા બાદ દૂધ સાગર ડેરી રોડ પર અર્બુદા ભવન પરિસરમાં સાક્ષી હુંકાર રેલીને સંબોધિત કરીને જનતાની અદાલતમાં પોતાની વાત રજૂ કરી હતી. કથિત દૂધસાગર ડેરી કૌભાંડ મામલે આરોપી વિપુલ ચૌધરીના સમર્થનમાં કોંગ્રેસ ઉતરી ચૂકી છે. ચૌધરીની ધરપકડ વિરુદ્ધ અર્બુદા સેનાએ ‘સાક્ષી હુંકાર રેલી’ યોજી હતી. જેમાં કોંગ્રેસના સાત ધારાસભ્ય પણ સામેલ થયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોમાં સી.જે ચાવડા, બળદેવસિંહ ઠાકોર, રઘુ દેસાઈ, નાથાભાઈ ચૌધરી, ભરત ઠાકોર, ગોવા ભાઈ રબારી અને ચંદન ઠાકોર સામેલ થયા હતા.

કોંગ્રેસમાં કમબેક કરવા પર શું બોલ્યા?
કોંગ્રેસના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં અર્બુદા સેનાના મંચ પર વાઘેલાએ પહોંચીને માત્ર વિપુલ ચૌધરીની ધરપકડનો જ વિરોધ નહોતો કર્યો પરંતુ કોંગ્રેસમાં સામેલ થવાના પણ સંકેત આપી દીધા છે. શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં જવાથી ઈનકાર કર્યો અને કોંગ્રેસને લઈને કહ્યું કે, વાતચીત ચાલુ છે અને ઔપચારિકતાઓ પૂરી થયા બાદ યોગ્ય સમય પર તેની જાહેરાત કરવામાં આવશે. તેમણે ચૌધરી સમુદાયને ભાજપને ગુજરાતની સત્તામાંથી બહાર ફેંકી દેવા પણ આહવાહન કર્યું.

કોંગ્રેસે બાપુ માટે દરવાજા ખુલ્લા રાખ્યા
શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં કમબેકના પ્રયાસ એવા સમયે થઈ રહ્યા છે જ્યારે ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. વાઘેલાએ હાલમાં જ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી હતી. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ Aajtak.in સાથે વાતચીત કરતા કહ્યું કે, ભાજપને ગુજરાતની સત્તામાંથી કાઢવામાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસની મદદ કરી શકે છે. કોંગ્રેસના દરવાજા વાઘેલા માટે ખુલ્લા છે.

અગાઉ કેમ નહોતું થઈ શક્યું વાઘેલાનું કોંગ્રેસમાં કમબેક?
જોકે ગુજરાત કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં લાવવાના પ્રયાસ પહેલા ઘણીવખત કરી ચૂક્યા છે. પરંતુ કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ ટસનું મસ નહોતું થતું. રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતની ચૂંટણીના પ્રભારી બનાવેલા અશોક ગેહલોત વાઘેલાને કોંગ્રેસમાં પાછા લાવવા માટે તૈયાર નહોતા. આ કારણે જ વાઘેલાનું કમબેક થઈ શક્યું નહોતું. પરંતુ રાજસ્થાન મામલામાં ચાલી રહેલા રાજકીય ભૂકંપના કારણે સ્થિતિ બદલાઈ છે. આ કારણે જ વાઘેલાને કોંગ્રેસમાં કમબેક કરાવવાનો રસ્તો બનાવાઈ રહ્યો છે.

મતભેદો ભૂલી બંને નેતાઓ ફરી સાથે આવ્યા
વાઘેલાના કોંગ્રેસમાં આવવાથી ગુજરાતમાં અહેમદ પટેલના નિધનથી રણનીતિકારની કમી આવી હતી, તેની ભરપાઈ પૂરી થઈ શકે છે. આ ઉપરાંત કોંગ્રેસનો પ્રયાસ વિપુલ ચૌધરીને પણ પાર્ટીમાં સામેલ કરવાનો છે. ગુજરાતમાં કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલાની સરકારમાં વિપુલ ચૌધરી મંત્રી રહ્યા છે. 1996માં ભાજપ સાથે બળવો કરીને સરકાર બનાવનારા વાઘેલાના સેનાપતિ પણ રહ્યા છે. લગભગ 25 વર્ષ જૂના પોતાના મતભેદ ભૂલીને બંને નેતાઓ ફરી એકબીજા સાથે આવી ગયા છે.

વિપુલ ચૌધરીને પણ કોંગ્રેસમાં લાવવાનો પ્રયાસ
વિપુલ ચૌધરી હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. કોંગ્રેસ ચૌધરીના સમર્થનમાં ખુલીને સામે આવી ચૂકી છે. આ પાછળનું કારણ એ છે કે ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમુદાયના વોટો કોંગ્રેસમાં આવવાથી ચૂંટણીમાં ખૂબ ફાયદો મળી શકે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની ગેરહાજરીના કારણે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને રાજકીય રીતે નુકસાન વેઠવું પડ્યું હતું. આ કારણે જ કોંગ્રેસ વાઘેલા અને ચૌધરી બંનેને લાવવામાં લાગી ગઈ છે.

વાઘેલા અને મોઢવાડિયાએ તત્કાલિન પ્રધાનમંત્રી અટલ બિહાર વાજપેયીને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ચેરમેન પદ માટે વિપુલ ચૌધરીના નામની ભલામણ કરી હતી. અર્જુન મોઢવાડિયા કહે છે કે ભાજપે વિપુલ ચૌધરી સાથે દગો કર્યો છે. 2007માં વિપુલ ચૌધરી કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા હતા પરંતુ આજે તેમના સ્વાભિમાનની લડાઈ છે તો કોંગ્રેસ તેમની સાથે ઊભી છે. ચૌધરી સમુદાયે પણ આ વિચારવું પડશે કે તેમના સાથી કોણ છે. ભાજપે 27 વર્ષોમાં ગુજરાતને ખોખલું કરવામાં કામ કર્યું છે.

    follow whatsapp