નરેન્દ્ર પેપરવાલા/છોટા ઉદેપુર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ટૂંક સમયમાં જ ચૂંટણીની જાહેરાત થવાની છે. ચૂંટણીને લઈને ઉમેદવારોને નક્કી કરવા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તેમના આગમન પહેલા જ છોટાઉદેપુર બેઠક માટે કોંગ્રેસની ત્રિપુટી માં વિખવાદ સામે આવ્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાએ છોટાઉદેપુર બેઠક માટે પુત્ર સંગ્રામસિંહને ટિકિટ આપવાની ઈચ્છા દર્શાવી છે.
ADVERTISEMENT
મોહન રાઠવાની જગ્યાએ દીકરાને સીટ આપવા માંગ
મારી લાગણી છે કે છોટા ઉદેપુર વિધાનસભા છેલ્લા બે ટર્મથી મોહનસિંહ રાઠવા અને 1971થી 2007 સુધી જેતપુર પાવી તાલુકાની બેઠક પર ચૂંટણી લડ્યા છે. અમારી સંગતિના કારણે છોટા ઉદેપુરમાં ચૂંટણી લડવા એકવખત પ્રોમિસ આપ્યું હતું. પરિણામ જોતા ખૂબ પાતળી સરસાઈથી વિધાનસભા ચૂંટણી મોહનસિંહભાઈને જીતાડ્યા. પરંતુ હવે તેમણે નાદુરસ્ત તબિયતના કારણે નિવૃત્તિ લેવાની ઘોષણ કરવાની જાણકારી મને છે.
મોહનસિંહના દીકરાને પણ લડાવવા માંગ કરી
તેમણે કહ્યું, ત્યારે હવે છોટા ઉદેપુર વિધાનસભા બેઠક પર મારા દીકરા સંગ્રામસિંહ રાઠવા જે નગરપાલિકાના પ્રમુખ છે અને યુથ કોંગ્રેસમાં સારું કામ કરે છે. તથા બરોડા ડેરીના ડિરેક્ટર છે. મારું ટર્મ ડિસેમ્બર 2023માં રાજ્યસભાના સભ્ય તરીકે પૂરું થવાનું છે. હવે મારા અનુગામી તરીકે સંગ્રામસિંહ રાઠવાને ટિકિટ આપવામાં આવે તેવી લોકોની લાગણી છે. મોહનસિંહના છોકરાને જેતપુર પાવી ચૂંટણી લડાવી દે અને સંગ્રામસિંહને છોટા ઉદેપુરથી લડાવી દે. રાહુલજીનું ખાસ કહેવું છે કે યુવાનોને રાજકારણમાં એન્ટ્રી કરાવવી જોઈએ. અમે વાલી તરીકે આ તક જતી કરવા માગતા નથી.
2023 બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી
સાંસદ નારણ રાઠવાએ વધુમાં કહ્યું, સુખરામભાઈ રાઠવા હાલ વિપક્ષના નેતા છે, પરંતુ અમારી લાગણી એવી છે કે, તમે યુવાનોને પેસવા જ નહીં દો તો આમનો વારો ક્યારે આવશે. મારી લાગણી છે કે, બંને છોકરાઓને વિધાનસભા લડાવવી જોઈએ અને લોકસભા સુખરામભાઈ લડી લે. હું તો અત્યારથી નિવૃત્તિ લેવાનો છે, સંગઠનને મજબૂત કરવા માટે પ્રયાસ કરતો રહીશ. પણ હું લોકસભા લડવાનો નથી અને રાજ્યસભામાંથી પણ નિવૃત્તિ લેવાનો છું. આજે મોહનસિંહભાઈએ કોઈને તક ન આપી, એમણે તેમના બંને છોકરાઓને રાજકારણમાં એન્ટ્રી કરાવવી જોઈતી હતી. એમણે એન્ટ્રી ન કરાવી અને એનો ભોગ મારા દીકરાને બનવાનું થાય એ મને પરવડતું નથી. ભાજપ વંશવેલાની વાત ઉઠાવે છે. પરંતુ વંશવેલો હશે તો જ પાર્ટી આગળ જશે.
પાર્ટી ટિકિટ નહીં આપે તો…
મારી હાઈકમાન્ડ, મોહનસિંહ, સુખરામભાઈને વિનંતી છે કે નવા યુથને તમે લાવો. તો આ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીને જીવંત રાખવા અને કોંગ્રેસને મજબૂત રાખવા માટે તેઓ કામે લાગે. પાર્ટી જે આદેશ કરશે તે પરંતુ અમારી સ્પષ્ટ લાગણી છે. બે વાર સંગ્રામ સિંહને સમજાવી સમજાવીને ટકાવી રાખ્યો છે હવે તેની ઉંમર થતી જાય છે. એવા સંજોગોમાં મારે વ્યક્તિગત મેદાનમાં આવીને પાર્ટી સાથે કેવી રીતે આગળ વાત કરી તે અંગે અમે સમય આવતા નિર્ણય લઈશું. હાલમાં ભાજપમાં જવાની કોઈ શક્યતા નથી.
ADVERTISEMENT