કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો મોટો ખુલાસો, ભાજપમાં જોડાવા અંગે જાણો શું કહ્યું

નિકેત સંઘાણી, અમદાવાદ: ગુજરાતમાં કોઈ પણ ચૂંટણી આવે આટલે કોંગ્રેસની ચિંતામાં સતત વધારો થવા લાગે. ભાજપમાં ભરતીમેળો શરૂ થઈ જાય છે અને કોંગ્રેસમાં નારાજગીનો દોર…

gujarattak
follow google news

નિકેત સંઘાણી, અમદાવાદ: ગુજરાતમાં કોઈ પણ ચૂંટણી આવે આટલે કોંગ્રેસની ચિંતામાં સતત વધારો થવા લાગે. ભાજપમાં ભરતીમેળો શરૂ થઈ જાય છે અને કોંગ્રેસમાં નારાજગીનો દોર શરૂ થવા લાગે. આ દરમિયાન વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વિસાવદર બેઠકના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રાજીનામું ધરી દીધું છે અને ભાજપમાં જોઇડાઈ ચૂક્યા છે. ત્યારે હજુ કોંગ્રેસના ધારાસભ્ય પક્ષ પલટો કરે તેવી શક્યતાઓ છે. આ દરમિયાન  કોંગ્રેસના નેતાઓએ  પક્ષપલટા અંગે નિવેદન આપ્યું છે.

આ નેતાઓ છોડી શકે છે કોંગ્રેસ

  • ચિરાગ કાલરીયા – જામજોધપુર
  • સંજયભાઈ સોલંકી – જંબુસર
  • મહેશ પટેલ – પાલનપુર
  • ભાવેશ કટારા – જાલોદ
  • લલિત વસોયા – ધોરાજી
  • અમરીશ ડેર- રાજુલા

જાણો શું કહ્યું ચિરાગ કાલરીયાએ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં તોડ જોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન છેલ્લા 5 વર્ષમાં લગભગ દર વર્ષે વિધાનસભાની પેટાચૂંટણી યોજાઇ છે. વર્ષ 2017ની ચૂંટણીના પરિણામ આવ્યું ત્યારે કોંગ્રેસ પાસે 77 બેઠક હતી અને 2022 આવતાની સાથે સાથે 62 બેઠક પર આવી ગયા. આ દરમિયાન હજુ પણ કોંગ્રેસના નેતાઓમાં નારાજગી છે. ચુંટણી આવતા આવતા હજુ પણ નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી શકે છે. જેમાં સંજય સોલંકી અને લલીત વસોયાએ તો કોંગ્રેસમાં રહેવા અંગે વાત કરી છે. ત્યારે જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કલારીયાએ ભાજપમાં જોડાવા અંગે કહ્યું કે, મે પાટીદાર લહેર વખતે હાર્દિક પટેલની કોઈ સભા જામજોધપુરમાં કરી ન હતી. હું મારા દમ પર જીત્યો હતો. મારી ત્રીજી પેઢી કોંગ્રેસમાં છે. જ્યારે મુખ્યમંત્રીને પગે લાગવા અંગે કહ્યું કે, તે વડીલ છે અને પાટીદાર સમાજના કાર્યક્રમમાં આવ્યા હતા. અમારા સંસ્કાર છે કે વડીલને પગે લાગવું. હું કોંગ્રેસમાં જ છું અને કોઈ ખોટી અફવા ફેલાવે છે.

અમરીશ ડેરે કર્યો મોટો ખુલાસો
અમરેલી જિલ્લાની રાજુલા બેઠકના ધારાસભ્ય અમરીશ ડેરે કહ્યું કે, મીડિયા જે વાત ચલાવે છે તેનું અનેક વખત ખંડન કર્યું અને ક્હ્યું કે. હું કોંગ્રેસમાં છું અને ક્યાંય જવાનો નથી. ભાજપમાં હું ભૂતકાળમાં હતો એટલે મારા મિત્રો અસંખ્ય છે. મીડિયાને જેટલું ચલાવવું હોઇ એટલું ચલાવો. હું કોંગ્રેસમાં છું અને રહેવાનો છું.

મહેશ પટેલે કર્યો આ ખુલાસો
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાની સાથે જ કોંગ્રેસમાં નારાજગીનો દોર શરૂ થઈ ચૂક્યો છે ત્યારે પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલે પક્ષ છોડવા અંગે કહ્યું કે, હાલ હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસના ધારાસભ્ય સભ્ય તરીકે કામ કરું છું. ત્યારે મહેશ પટેલે પણ પક્ષ પલતા અંગેની વાતનું ખંડન કર્યું છે.

ધારાસભ્ય સંજય સોલંકીએ પક્ષપલટા અંગે આપ્યું હતું નિવેદન
જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ પક્ષપલટા અંગે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા સમાચાર એ તથ્ય અને પાયા વિહોણા છે. કોંગ્રેસ પક્ષ એ મારૂ ગૌત્ર છે અને હું સંપૂર્ણ પણે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલ છું. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જીલ્લાની તમામ બેઠકો ઉપર કોંગ્રેસ પક્ષનો પંજો જવલંત વિજય મેળવશે તેમજ જંબુસર બેઠકપરથી પણ કોંગ્રેસ જંગી બહુમતિથી જીતશે.

લલીત વસોયાએ આપ્યું આ નિવેદન
લલીત વસોયા અનેક વખત ભાજપના નેતાઓ સાથે જોવા મળે છે ત્યારે આ  વચ્ચે પાટીદાર નેતા અને ધારાસભ્ય લલીત વસોયાએ કહ્યું કે, હું કોંગ્રેસમાં જ છું . અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. જ્યારે ધારાસભ્ય ભાવેશ કટારા સાથે અનેક વખત સંપર્ક સાધવામાં આવ્યો પરંતુ કોઈ જવાબ મળ્યો નથી.

    follow whatsapp