મોરબી: હળવદમાં ધ્રાંગધ્રાના ધારાસભ્યની કારનો અકસ્માત થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ભાજપના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાએ અકસ્માત સમયે જાતે કાર ચલાવી રહ્યા હતા. કારે રીક્ષાને ટક્કર મારતા તેમાં મુસાફરી કરી રહેલા એક પુરુષ અને મહિલાને ઈજા પહોંચી હતી. હાલમાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ADVERTISEMENT
અકસ્માત સમયે ધારાસભ્ય પોતે કાર ચલાવી રહ્યા હતા
ભાજપના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાએ અકસ્માત સર્જ્યો હોવાની વિગતો મળી રહી છે. ધારાસભ્ય પોતાની કાર ડ્રાઈવ કરી રહ્યા હતા ત્યારે હળવદ-વેગડવા રોડ પર તેમની ઈનોવા કારનો અકસ્માત થયો હતો. ધારાસભ્ય ચલાવી રહેલી કાર રીક્ષા સાથે અથડાઈ હતી. જેમાં રીક્ષામાં સવાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.
ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાઈ
હળવદ-વેગડવા રોડ પર ભાજપના ધારાસભ્યની કારે રીક્ષાને ટક્કર મારી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો રોડ પર એકઠા થઈ ગયા હતા. અકસ્માતમાં ધારાસભ્યની કારના આગળના ભાગે નુકસાન થયું હતું. બીજી તરફ રીક્ષામાં સવાર એક મહિલા તથા એક પુરુષને ઈજા પહોંચી હતી. જેમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની જરૂર પડી હતી.
(વિથ ઈનપુટ: સાજીદ બેલિમ)
ADVERTISEMENT