અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આગામ થોડા દિવસોમાં જ ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. આ માટે કોંગ્રેસ દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોના બાયોડેટા મગાવવામાં આવ્યા હતા. જેમાં 182 વિધાનસભા બેઠકો પરથી લડવા માટે 800થી વધુ ઉમેદવારોના બાયોડેટા મળ્યા હતા. એવામાં છેલ્લા પાંચ દિવસથી ઝોન પ્રમાણે દાવેદારો માટે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
દાવેદારોના આર્થિક, સામાજિક અને સેવાકિય પ્રવૃત્તિનું મૂલ્યાંકન
વિધાનસભા ચૂંટણીમાં લડવા ઈચ્છુક દાવેદારોને પ્રદેશ કક્ષાએ બાયોડેટા જમા કરાવવા કહેવાયું હતું. આ સાથે જ તેમની રજૂઆતો પણ પ્રદેશ સેક્રેટરી અને સ્થાનિક નેતાઓએ સાંભળી હતી. દાવેદારોની સુનાવણી બેઠકમાં તેમની આર્થિક સ્થિતિ, રાજકીય કદ, સામાજિક સેવાકિય પ્રવૃત્તિ, પક્ષમાં અત્યાર સુધીના તેમના કાર્ય વગેરે સહિતની બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. એવામાં હવે ઓક્ટોબરમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે.
કોંગ્રેસનો 125 બેઠકો જીતવાનો લક્ષ્યાંક
નોંધનીય છે કે, કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં 125 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેને લઈને કોંગ્રેસના આગેવાનો પૂરજોસમાં પ્રચાર કાર્યમાં લાગી ગયા છે. હાલમાં જ કોંગ્રેસ દ્વારા તેમની 8 ગેરંટીની પત્રિકા ઘેર ઘેર પહોંચાડવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ પાટીદાર મતદારોને આકર્ષવા ખોલડધામથી લઈને ઉમિયાધામ સુધી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT