સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે હાલમાં ગુજરાતમાં આચાર સંહિતા લાગુ છે. સુરતમાં બે દિવસ પહેલા એક ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયા મળી આવ્યા હતા. જોકે સવાર સુધી આ રૂપિયા અંગે કોઈએ દાવો નહોતો કર્યો એવામાં આ પૈસા કોઈ રાજકીય પાર્ટીના હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. ત્યારે હવે પૈસા પકડાવાની ઘટના બની ત્યાં નજીકથી કોંગ્રેસના નેતાનો રોડ પર દોડતો વીડિયો સામે આવ્યો છે.
ADVERTISEMENT
કાર નજીકના સીસીટીવીમાં કોંગ્રેસના નેતા દોડતા દેખાયા
સુરતમાં ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમને મહારાષ્ટ્ર પાસિંગની ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયા મળ્યા હતા. આ ઘટનામાં હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં રાજસ્થાનના કોંગ્રેસના નેતા બી.એન સંદીપ રોડ પર દોડતા દેખાય છે. આ સીસીટીવી સુરતના જે મહિધરપુરા વિસ્તારમાંથી કાર પકડાઈ હતી ત્યાનાં જ છે. સાથે જ ઈનોવા કારમાંથી વી.એન સંદીપના નામનો વીઆઈપી પાર્કિંગનો કોંગ્રેસનો પાસ પણ મળી આવ્યો છે.
કારમાંથી બી એન સંદિપ નામનું કાર્ડ મળ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોઈ શખ્સો ચૂંટણીમાં દારુ, ડ્રગ્સ કે નશીલા પદાર્થોની રેલમછેલ ન કરે, રોકડા કે બીજી કોઈ રીતે મતદાનને ખોટી અસર ન પાડી જાય તે માટે તંત્ર સજ્જ છે. ગુજરાતમાં ઘણા સ્થાનો પર સતત પોલીસ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ (એસએસટી) દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ વચ્ચે મહીધરપુરા વિસ્તારમાં જદાખાડી મહોલ્લા પાસે આવેલા રંગરેજ ટાવર પાસે પાર્કિંગમાં ઊભેલી એક મહારાષ્ટ્ર પાસિંગની MH.04.ES.9907 નંબરની ઈનોવા કારમાંથી લાખો રૂપિયા પકડાયા હતા. પોલીસ અને આવકવેરા વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. તંત્ર દ્વારા રૂપિયા ગણવા માટે રીતસર નોટોનું મશીન મગાવીને ગણતરી કરવામાં આવી હતી.
(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)
ADVERTISEMENT