અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. વર્ષ 2017માં 77 બેઠક લાવનારી કોંગ્રેસ પાર્ટી આ વખતે 17 બેઠકો માંડ લાવી શકી છે. આ પાછળ પાર્ટીના જ ટોચના નેતાઓને જવાબદાર માનવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હારેલા ઉમેદવાર રઘુ દેસાઈએ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને કોંગ્રેસને જ હરાવનારા સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે.
ADVERTISEMENT
જગદીશ ઠાકોરના નજીકના લોકોએ જ પાર્ટીને હરાવી
રાધનપુરથી કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય પત્ર ઘટસ્ફોટ સામે આવ્યો છે. રઘુ દેસાઈએ પત્રમાં લખ્યું કે, રાધનપુરમાં જગદીશ ઠાકોરના કારણે હાર થઈ છે. ચૂંટણીમાં કેટલાકે પાર્ટીમાં જ રહીને પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે. જગદીશ ઠાકોરના નજીકના સાથીઓએ ભાગ ભજવ્યો હતો. ઠાકોરે પાર્ટી વિરુદ્ધ કામ કરનારા લોકોને કાબૂમાં ન રાખ્યા. આમ તેમણે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે.
પાંચ લોકોના નામ લખીને કર્યો આક્ષેપ
રઘુ દેસાઈએ પોતાના પત્રમાં પાંચ કોંગ્રેસના જ એવા હોદ્દેદારો જેમણે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે, તેમના નામ આપ્યા છે. જેમાં પાટણના પંચાયત સદસ્ય જગદીશભાઈ રાઠોડ, GPCCના જનરલ સેક્રેટરી બચાભાઈ આહીર, રાધનપુર નગરપાલિકાના વર્કીંગ કમિટીના ચેરમેન હર્ષદભાઈ આહીર, રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય રમેશ દેસાઈ અન રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લવજી ઠાકોરનું નામ લખ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે, જો જગદીશ ઠાકોર ખોટા હોય તો તેમને સસ્પેન્ડ કરો અને હું ખોટો હોય તો મને સસ્પેન્ડ કરો.
ADVERTISEMENT