અમદાવાદ: ગુજરાતની મુલાકાતે આવેલા પૂર્વ કેન્દ્રીય નાણા મંત્રી પી. ચિદમ્બરમે આજે તબીબો, CA અને વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પહેલા તેમણે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી અને મોરબી દુર્ઘટના મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.પી. ચિદમ્બરમે કહ્યું કે, મોરબીમાં બ્રિજ તૂટવાની ઘટનાએ ગુજરાતનું નામ શર્મસાર કર્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે સરકાર તરફથી કોઈએ પણ આ ઘટના માટે માફી નથી માગી. કોઈએ પણ આની જવાબદારી લઈને રાજીનામું નથી આપ્યું.
ADVERTISEMENT
PM અને ચૂંટણી પંચ પર કર્યા ચાબખા
આ સાથે જ તેમણે PM મોદી પર નિશાન સાધ્યું કે, જ્યારે હિમાચલની તારીખો જાહેર થઈ ત્યારે ગુજરાતની તારીખોની જાહેરાત કેમ ન થઈ. કારણ કે પ્રધાનમંત્રીના કાર્યક્રમો બાકી હતા. ચૂંટણી પંચ સમર્થિત પ્રધાનમંત્રીના કાર્યક્રમો સતત ચાલુ રહ્યા. ભાજપે પાછલા 6 વર્ષોમાં 3 મુખ્યમંત્રી બદલ્યા. જો ચૂંટણી આગામી વર્ષે હોત તો ભૂપેન્દ્ર પટેલને પણ બદલી નાખ્યા હોત. ગુજરાત મુખ્યમંત્રી નહીં પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ચલાવે છે.
ગુજરાત પર કેટલું દેવું?
2017થી ગુજરાતનો વિકાસ દર સતત ગગડી રહ્યો છે. ગુજરાત સરકારે પોતાના આંકડા મુજબ ગુજરાતમાં વર્ષ 2020-21માં દેવું 2,98,810 કરોડ છે અને RBI મુજબ આ આંકડો 4,02,785 કરોડ છે. મોંઘવારી વધી રહી છે. ઓગસ્ટમાં મોંઘવારી દર 11.5 ટકા હતો. ગુજરાતમાં 20-24 વર્ષના યુવકોમાં બેરોજગારી દર 12.49 ટકા છે. જ્યાં સુધી સરકાર પર ખતરો નહીં હોય ત્યાં સુધી તે જનતા પ્રત્યે પોતાની જવાબદારી નહીં સમજે. કારણ કે ભાજપને એવું લાગે છે કે તે ચૂંટણી નહીં હારે આ કારણે જ મોરબીની ઘટના બાદ પણ કોઈએ માફી ન માગી.
ગુજરાતની જનતાને કરી અપીલ
તેમણે કહ્યું, ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આ વખતે સરકાર બદલે. જરૂર છે કે દર 5 અથવા 10 વર્ષમાં સરકાર બદલાતી રહે. જેનાથી જવાબદારી નક્કી થઈ શકે.સાથે જ તેમણે કહ્યું કે ગુજરાતની જનતા પહેલા પણ કોંગ્રેસ પર વિશ્વાસ દર્શાવી ચૂકી છે હું ફરી અપીલ કરું છું કે કોંગ્રેસ પર વિશ્વાસ મૂકે.
ADVERTISEMENT