અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતમાં રાજકીય ભૂકંપો આવી રહ્યા છે. ગુજરાતમાં સતત રાજકીય ગરમાવો આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા હર્ષદ રિબડીયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. હવે માહિતી મળી રહી છે કે હર્ષદ રિબડીયા આવતીકાલે ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રો મુજબ, આવતીકાલે કમલમ ખાતે હર્ષદ રિબડીયા વિધિવત રીતે ભાજપમાં જોડાશે.
ADVERTISEMENT
ભાજપમાં જઈ રહ્યા છે હર્ષદ રિબડીયા?
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, કોંગ્રેસથી નારાજગીના કારણે પક્ષ છોડનારા હર્ષદ રિબડીયા કમલમમાં સી.આર પાટીલની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઈ શકે છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરની બેઠક પરથી ભાજપની ટિકિટ પર લડી શકે છે તેવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે.
અગાઉ AAPમાં જવાની ચર્ચા હતી
ગઈકાલે જ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાના રાજીનામા બાદ ઈસુદાન ગઢવીએ એક ટ્વિટ કરતા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. ઇસુદાન ગઢવીએ ટ્વીટમાં કહ્યું હતું કે, કોંગ્રેસના કેટલાય સારા નેતાઓ થોડા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે. જોકે આ બધા વચ્ચે હવે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે તેઓ ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે.
ગઈકાલે જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું
નોંધનીય છે કે, પાર્ટી છોડ્યા બાદ ગઈકાલે જ કોંગ્રેસ પર પ્રહાર કરતાં હર્ષદ રીબડિયાએ કહ્યું હતું કે, મે ગદ્દારી નથી કરી, કોંગ્રેસ દિશાહિન પક્ષ બની ગયો છે,મત વિસ્તારના લોકોને પૂછીને આગળનો નિર્ણય લઇશ. જરૂર પડશે તો ચૂંટણી લડિશ. ચૂંટણી અહીં છે અને પદયાત્રા દક્ષિણ ગુજરાતમાંથી કાઢવામાં આવે છે. જરૂર અહીં છે. અમે ધારાસભ્ય તરીકે લોકો માટે રાત દિવસ એકલા લડતા હોઈએ. ક્યાંય કોઈ મદદ ન મળે. એટલે નક્કી કર્યું કે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું. મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. મેં હજુ કોઈ પક્ષ સાથે જોડાવાનું નક્કી નથી કર્યું. મેં ક્યારેય ગદ્દારી નથી કરી. મારા મત વિસ્તારના લોકો કહેશે તે પાર્ટીમાં જોડાઈશ.
ADVERTISEMENT