ગાંધીનગર: તાજેતરમાં જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા કોંગ્રેસના હર્ષદ રિબડીયા આજે ગાંધીનગરમાં જોડાયા હતા. હર્ષદ રિબડીયાએ ભાજપના પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. કોંગી નેતાની સાથે તેમના સમર્થકો તથા કોંગ્રેસના અન્ય કેટલાક આગેવાનો પણ આજે ભાજપમાં જોડાઈ ગયા હતા. આ પહેલા ખેડૂત નેતા એવા હર્ષદ રિબડીયા આજે કમલમ ખાતે પોતાના સમર્થકો સાથે ખેતર ખેડવાનું હળ લઈને પહોંચ્યા હતા. આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરની બેઠક પરથી ભાજપની ટિકિટ પર લડી શકે છે તેવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ભાજપમાં જોડાઈને શું બોલ્યા હર્ષદ રિબડીયા?
હર્ષદ રિબડીયાએ ભાજપમાં જોડાઈને કહ્યું કે, ઘણા મિત્રો પૂછતા હતા કે તમે કેમ ભાજપમાં આવ્યા, કેમ કોંગ્રેસ છોડી. સમગ્ર ગુજરાત જાણે છે, દેશ જાણે છે કોંગ્રેસ દિશાહીન થઈ ગઈ છે. અમે ધારાસભ્ય તરીકે હતા ત્યારે લડાઈ કરવાની આવે ત્યારે અસામાજિક તત્વો સામે લડ્યા હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીનો કોઈ આગેવાન અમારી મદદે નહોતા આવતા.
ભાજપની કઈ બાબતથી પ્રભાવિત થયા?
તેમણે કહ્યું કે, બધા જાણ છે કે નરેન્દ્ર મોદી દેશમાં જે રીતે વિકાસ કરી રહ્યા છે. 2014માં પોષણક્ષમ ભાવ પછી જે ભાવમાં વધારો આવ્યો મારો જગતનો તાત ખેડૂતનો દીકરો કાળી મજૂરી કરી, ધોમ ધખતા તાપમાં દેશનું પેટ ભરનારા દીકરાને ભાવ નહોતા મળતા. મોદી સાહેબે આયોજન કર્યું. કૃષિમાં નવી ક્રાંતિ લાવ્યા, ઓજારોમાં નવી ટેકનોલોજી આવ્યા. જે-તે સમયે અડધ, તુવેર, મગના ભાવ સરખા હતા. આજે કઠોળના ભાવ 1000થી ઓછા નથી. કપાસના ભાવ 700 રૂપિયા હતા. આજે 2000થી 2500 રૂપિયા ભાવ થઈ ગયા. ખેડૂતો માટે આ સરકારે ખૂબ પ્રયત્નો કર્યા. ત્યારે હું તેનાથી પ્રભાવિત થયો.
આ લોકો પણ ભાજપમાં જોડાયા
- નટુભાઈ પોકિયા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ
- વજુભાઈ મોરડિયા મહેસાણા કોંગ્રેસના તાલુકા પ્રમુખ
- રામજીભાઈ દેસાણીયા ઉપપ્રમુખ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ
- સુરેશ વાંક, જુનાગઢ જિલ્લા કોંગ્રેસના કિસાન મોરચાના પ્રમુખ
- રવજીભાઈ ઠુમ્મર મહેસાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ
- દિલુભાઈ વાંક, મહેસાણા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન
- દિપક સતાસીયા, પૂર્વ મહેસાણા તાલુકા પંચાયત પ્રમુખ અને સદસ્ય
- રાજેશ દેસાણીયા, ભેસાણ તાલુકા પંચાયત સદસ્ય
(વધુ વિગતો ઉમેરાઈ રહી છે)
ADVERTISEMENT