ગુજરાતમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ ફરી રાજીનામાનો ‘ખેલ’ શરૂ, આ નેતાએ ખડગેને મોકલ્યું રાજીનામું

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો કારમો પરાજય થયો છે. છેલ્લા 27 વર્ષથી સત્તાથી દૂર કોંગ્રેસ આ વખતે વિપક્ષમાં બેસી શકે તેટલી પણ બેઠકો મેળવી…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો કારમો પરાજય થયો છે. છેલ્લા 27 વર્ષથી સત્તાથી દૂર કોંગ્રેસ આ વખતે વિપક્ષમાં બેસી શકે તેટલી પણ બેઠકો મેળવી શકી નથી. 2017માં 77 બેઠકો જીતનારી કોંગ્રેસ પાર્ટી માત્ર 16 સીટ પૂરતી સીમિત થઈ ગઈ છે. પાર્ટીના તમામ જૂના જોગીઓ ઘરભેગા થઈ ગયા છે. ત્યારે કોંગ્રેસમાંથી ગુજરાતના ચૂંટણી પ્રભારીના પદથી રઘુ શર્માએ રાજીનામું આપી દીધું છે.

રઘુ શર્માએ ગુજરાતમાં હારની જવાબદારી સ્વીકારી
રઘુ શર્માએ કોંગ્રેસ પ્રેસિડેન્ટ મલ્લીકાર્જુન ખડગેને પત્ર લખીને રાજીનામું આપ્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હારની હું સંપૂર્ણ નૈતિક જવાબદારી લઉં છું. તથા ગુજરાતના પ્રભારી પદથી રાજીનામું આપી રહ્યો છું. તમને વિનંતી છે કે મારું ગુજરાતના પ્રભારીના પદથી રાજીનામું સ્વીકારો.

10 ટકા સીટ પણ ન મેળવી શકી કોંગ્રેસ
નોંધનીય છે કે, ગુજરાતની 2022ની વિધાનસભા ચૂંટણીમાં ખૂબ જ નબળું પરિણામ રહ્યું છે. કોંગ્રેસ ગુજરાતમાં 10 ટકા સીટ પણ નથી મેળવી શકી. એવામાં તે વિપક્ષમાં પણ નથી રહી. આટલું જ નહીં 55 અને 47 વર્ષ બાદ બોરસદ અને મહુધાની વિધાનસભા સીટમાં પણ ભાજપે ગાબડું પાડ્યું છે અને બંને બેઠકો પર કમળ ખીલ્યું છે. એવામાં ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ ખૂબ વધુ કથળી છે. પાર્ટીના એક બાદ એક ધારાસભ્યો ચૂંટણી પહેલા જ પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ગયા અને તેમને રોકવામાં પણ પાર્ટી નિષ્ફળ નીવડી હતી. ત્યારે હવે જીતની જવાબદારી લેતા રઘુ શર્માએ રાજીનામું ધરી દીધું છે.

અગાઉ પણ કોંગ્રેસના રકાસ બાદ અમિત ચાવડા-ધાનાણીએ આપ્યા હતા રાજીનામા
નોંધનીય છે કે, ગુજરાતની મહાનગર પાલિકાની ચૂંટણીમાં કારમો પરાજય થતા કોંગ્રેસના પાંચ શહેરોના પ્રમુખોએ રાજીનામાં આપી દીધાં હતાં. જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગર પાલિકામાં કોંગ્રેસનો રકાસ થતાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું હતું.

    follow whatsapp