અમદાવાદ: રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા કરવામાં આવી રહી છે. આ યાત્રામાં ગઈકાલે નર્મદા યોજનાનો વિરોધ કરનારા મેધા પાટકર પણ જોડાયા હતા. જેને લઈને ભાજપ દ્વારા કોંગ્રેસને ઘેરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અંગે ટ્વીટ કરીને કોંગ્રેસને ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતી ઠેરવી દીધી છે. તેમણે આ અંગે રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું છે. ત્યારે આજે કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપના આક્ષેપોનો જવાબ આપ્યો હતો.
ADVERTISEMENT
મેધા પાટકરના રાહુલ ગાંધી સાથે દેખાવા પર કોંગ્રેસનો જવાબ
રઘુ શર્માએ કહ્યું કે, ભાજપના લોકો પરેશાન છે કે કોંગ્રેસ કોઈ તક આપી રહી નથી. આ તકની લાગમાં જ ભાજપ છે, બીજું કંઈ નથી. મેધા પાટકરની રાહુલ ગાંધી સાથેની હાજરી પર જવાબ આપવાની તેમણે ઘસીને ના પાડી દીધી હતી. તેમણે કહ્યું, કોઈ યાત્રામાં લાખો લોકો ચાલી રહ્યા છે, તેમાં કોઈ વ્યક્તિ જોડાય તો તેનો શું મતલબ થયો. મેધા પાટકર અને ગુજરાતની ચૂંટણીને શું લેવા દેવા? મોંઘવારી, બેરોજગારી, અર્થવ્યવસ્થા પર વાત નહીં થાય? દેશની સામે આ તમામ મુદ્દાઓ છે. ભાજપ પાસેથી આ મામલે અમે જવાબ માગીએ છીએ તેણે આપવો જોઈએ.
આપને ફરી બતાવી ભાજપની બી ટીમ
નોંધનીય છે કે રઘુ શર્માએ તિહાડ જેલમાં બંધ કેજરીવાલના મંત્રી સત્યેન્દ્ર જૈનના મસાજ કરાવતા વીડિયોને લઈને પણ સવાલો કર્યા હતા. તેમણે કહ્યું, આ વીડિયોથી સાબિત થાય છે કે, આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. જેલમાં તે લોકો એશથી રહી રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ આ ધ્યાને લેવું જોઈએ. એક કેદીને જેલમાં 5 સ્ટાર સુવિધા કેવી રીતી મળી રહી છે. એટલે જ અમે કહી રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે.
ADVERTISEMENT