ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો, સતત 3 દિવસમાં ત્રીજા કોંગી ધારાસભ્યએ કેસરીયા કર્યા

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. ગઈકાલે મોડી રાત્રે ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારા આજે…

gujarattak
follow google news

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. ગઈકાલે મોડી રાત્રે ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારા આજે ભાજપમાં જોડાયા અને કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ગાંધીનગરમાં આવેલા ભાજપના કાર્યાલય કમલમ ખાતે તેઓ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.

ચૂંટણી લડવા વિશે શું બોલ્યા ભાવેશ કટારા?
ભાજપમાં જોડાતા જ ભાવેશ કટારાએ કહ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણી તે નહીં લડે અને કોઈપણ જાતની શરત વગર તેઓ ભાજપમાં જોડાયા હતા. તેમણે કહ્યું, ‘મારી વિચારધારા પહેલાથી જ ભાજપ સાથેની રહી છે, પરંતુ કેટલાક વ્યક્તિગત કારણોસર મેં ભાજપ છોડી હતી.’  જોકે ભાજપ દ્વારા હજુ સુધી ઝાલોદ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે તેમને જ ભાજપ ઝાલોદની ટિકિટ આપવામાં આવી શકે છે.

25000 મતોથી જીત્યા હતા કટારા
ઝાલોદની અનામત બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ભાવેશ કટારાએ ગત વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 86077 મત મેળવ્યા હતા. તેઓએ આ બેઠકના કુલ મત 224394 પૈકીના 56.63 ટકા મતો પર પોતાનું નામ નોંધાવ્યું હતું. આ બેઠક પર જોકે 5265 મત નોટામાં પડ્યા હતા પરંતુ 25410 મતોની જંગી લીડથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા નેતા હોવાને કારણે કોંગ્રેસ માટે કેટલા મહત્વના હતા તે આપ આંકી શકો છો. તેમની સામે વર્ષ 2017માં મહેશ બારિયા ભાજપમાંથી લડ્યા હતા જેમને 60667 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ એક એવી બેઠક હતી જેમાં માત્ર તે બંને જ ઉમેદવારો હતા. 67.74 ટકા મતદાન આ બેઠક પર થયું હતું.

3 દિવસમાં કોંગ્રેસે 3 ધારાસભ્યો ગુમાવ્યા
નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં જ ત્રણ કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. ગઈકાલે જ ભગવાન બારડે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું અને પછી ભાજપમાં જોડાયા હતા. આના એક દિવસ પહેલા જ મોહન રાઠવાએ પણ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું અને વિધિવત રીતે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.

    follow whatsapp