મહેસાણાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી લડવા માટે હવે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા પછી હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગઈ છે. આ દરમિયાન કોંગ્રેસમાં એન્ટ્રી લેવા માટે ઈચ્છુક ઉમેદવારો સાથે ભરતસિંહ સોલંકીએ ખાસ બેઠક કરી હતી. આ દરમિયાન તેમને સવાલ કરાયો હતો કે ઉમેદવારોએ કઈ બેઠક પરથી લડવુ છે તથા એને જીતવા માટેનો તમારી પાસે રોડ મેપ કયો છે? જોકે આ સમગ્ર ચર્ચા દરમિયાન સ્થાનિક કોર્પોરેટર અને મહિલા કોર્પોરેટરના પતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ટિકિટ મુદ્દે પણ ઘણી આકરી ટિપ્પણીઓ થતા રાજકારણ ગરમાયું હતું.
ADVERTISEMENT
કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીનું રાજકારણ ગરમાયું
મહેસાણા ઊંઝા હાઇવે પાસે આવેલી કોમ્પી હોટલમાં બુધવારે સવારથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં મહેસાણા જિલ્લાની સાત બેઠકો ઉપર બાયોડેટા આપવા ઇચ્છુક ઉમેદવારો અને તેમના ટેકેદારોને સાંભળવાની કવાયત હાથ ધરાઈ હતી. જેમાં ભરતસિંહ સોલંકીએ સાત વિધાનસભા બેઠકો ઉપર દાવેદારી કરનારા મુરતિયાઓને તેમની બેઠક ઉપર કેવી રીતે જીતશો તેમજ મત બેંક કોંગ્રેસ તરફી ઊભી કરવા શું કરશો જેવા સવાલો ઉઠાવ્યા હતા.
હોલની બહાર ઉગ્ર બોલાચાલી થઈ
આ બેઠક બાદ બહાર હોલ પાસે મહેસાણા બેઠક પર દાવેદારી અંગે ચર્ચા ચાલી રહી હતી. ત્યારે અચાનક સ્થાનિક કોર્પોરેટર અને મહિલા કોર્પોરેટરના પતિ વચ્ચે ઘર્ષણ થયું હતું. બંને વચ્ચે એકાએક શાબ્દિક ટપાટપી થઈ જતા મામલો બીચક્યો હતો. જોકે ત્યારપછી સ્થાનિક કોર્પોરેટરો પણ ડઘાઈ ગયા હતા. ત્યારે આ અંગે ભરતસિંહ સોલંકી પાસે માહિતી પહોંચતા તેમણે વિગતો મંગાવી હતી.
આવેદનકર્તાઓનો રોષ…
બેઠકમાં થયેલી ચર્ચા વિચારણા અને પોતાના મત રજૂ કરવાની પ્રક્રિયા દરમિયાન આવેદન કર્તાઓમાં અલગ જ ચર્ચા ચાલી રહી હતી. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે કેટલાક આવેદનકર્તાઓ વાતચીત કરી રહ્યા હતા કે અત્યારે ગમે તેટલો પ્લાન શેર કરવામાં આવે. પરંતુ આમાથી કોઈને પણ ટિકિટ મળી શકશે નહીં. છેવટે આનો નિર્ણય કોઈ બીજા દ્વારા જ હાથ ધરાશે.
With Input – કામિની આચાર્ય
ADVERTISEMENT