અમદાવાદ: સાણંદ બેઠકથી ભાજપ દ્વારા આ વખતે કનુભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા છે. જોકે તેમનું નામ જાહેર થતા જ ખેંગાર સોલંકીએ ભાજપ સામે બાંયો ચઢાવી હતી. સાણંદમાં એક જાહેરસભામાં ખેંગાર સોલંકીએ નિવેદન આપ્યું હતું કે કનુ પટેલને તેઓ જ કોંગ્રેસમાંથી ભાજપમાં લાવ્યા હતા અને તેમણે જ 13 કરોડ રૂપિયા અને ટિકિટ પણ અપાવી હોવાનું કહે છે. આ વાયરલ વીડિયોને લઈને હવે કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ભાજપના નેતાનો વીડિયો વાઈરલ થતા કોંગ્રેસે કર્યા પ્રહાર
ગઈકાલે જ કોંગ્રેસના પ્રવક્તા હીરેન બેંકરે ખેંગાર સોલંકીનો આ વીડિયો જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે, વીડિયોમાં બોલે છે કે સાણંદના ભાજપની ટિકિટ મેળવવાના દાવેદાર ખેંગાર સોલંકી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, કનુ પટેલ 13 કરોડ લઈને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. આ સોદા કોના કહેવાથી થયા અને તેમાં કોણ સામેલ હતું તેનો જવાબ ભાજપ આપે. વીડિયોમાં ઉલ્લેખ છે તે 13 કરોડ કમલમમાંથી આવ્યા કે અન્ય કોઈ વ્યક્તિએ આપ્યા? વિપક્ષ પર ED, CBI લગાવવામાં આવતી હોય છે, જાહેર મંચથી કહેવામાં આવ્યું છે કે, 13 કરોડની રકમ ધારાસભ્યને ભાજપમાં જોડવા અપાઈ છે તો કેમ ED, CBI તપાસ માટે આગળ આવતા નથી.
23 સેકન્ડના વીડિયોથી રાજકારણ ગરમાયું
ઉલ્લેખનીય છે કે, ખેંગાર સોલંકીનો આ વીડિયો એક જાહેર સભાનો છે. વીડિયોમાં તેઓ એમ પણ કહે છે કે, હું કનુભાઈ અને કમસીભાઈને કોંગ્રેસમાંથી ભાજપમાં સમાજનું હીત કરવા માટે લાવ્યો હતો. કે ભઈ ભાજપમાં કોળી પટેલને ટિકિટ મળે તો સમાજનું કંઈ ભલું થાય પણ તેમણે પોતાનું કલ્યાણ કર્યા સિવાય કંઈ કર્યું નથી. જોકે ચૂંટણી પહેલા જ 23 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતા હવે સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે.
ADVERTISEMENT