અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે મૂરતિયા જાહેર થઈ ગયા છે. ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. આ વચ્ચે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શક્તિ પ્રદર્શન અને રોડ શો સાથે ઘાટલોડિયા બેઠકથી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી નોંધાવતા સમયે તેમણે રજૂ કરેલી એફિડેવિટ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં વધારો થયો છે, પરંતુ આવક અને દેવું બંને વધ્યા છે.
ADVERTISEMENT
CMની આવક 5 વર્ષમાં અડધી થઈ ગઈ
ભૂપેન્દ્ર પટેલે રજૂ કરેલા એફિડેવિટ મુજબ વર્ષ 2021-22માં તેમની આવક 11.79 લાખ રૂપિયા છે, જ્યારે તેમના પત્નીની આવક 11.58 લાખ બતાવાઈ છે. જ્યારે વર્ષ 2017માં તેમની આવક 30 લાખ અને પત્નીની આવક 38 લાખ દર્શાવાઈ હતી. આમ પાંચ વર્ષમાં મુખ્યમંત્રીની આવકમાં અંદાજે 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
મુખ્યમંત્રીની સંપત્તિ 5 વર્ષમાં કેટલી વધી?
ભૂપેન્દ્ર પટેલે રજૂ કરેલા એફિડેવિટ મુજબ, તેમણે પોતાની કુલ સંપત્તિ રૂ.8.22 કરોડની દર્શાવી છે. તેમાં જંગમ સંપત્તિ રૂ.3.63 કરોડ અને સ્થાવર સંપત્તિ રૂ.4.59 કરોડની દર્શાવી છે. 2017માં ઘાટલોડિયાના ઉમેદવાર તરીકે તેમણે રજૂ કરેલી એફિડેવિટમાં કુલ સંપત્તિ રૂ. 5.20 કરોડ દર્શાવી હતી. આમ 5 વર્ષમાં તેમની સંપત્તિમાં રૂ.3.02 કરોડનો વધારો થયો છે. જોકે આ સાથે જ તેમનું દેવું પણ વધ્યું છે.
દેવામાં 120 ટકાનો વધારો થયો
મુખ્યમંત્રીએ 2017માં રજૂ કરેલી એફિડેવિટ મુજબ તેમના પર 62.77 લાખની લોન હતી, જે આ વખતે વધીને રૂ.2.09 કરોડ થઈ ગઈ છે. આમ તેમના દેવામાં 120 ટકાનો વધારો પાંચ વર્ષમાં થયો છે. જોકે વર્ષ 2017ની 7.71 લાખની વાહનની સામે આ વખતે તેમની પાસે માત્ર રૂ.42 હજારનું એક વાહન જ છે. અને દાગીના 74.45 લાખની કિંમતના છે.
(માહિતી 2017 અને 2022ના વર્ષમાં ભરેલા ITR રિટર્ન મુજબ છે)
ADVERTISEMENT