અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની છે. એવામાં રોજ રાજકીય પાર્ટીઓ વચ્ચે રોજે રોજ બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે રાત્રે અચાનક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. હાલમાં જ વડાપ્રધાન મોદીએ કમલમ ખાતે કોર કમિટીની બેઠક યોજી હતી. જેમાં નીતિન પટેલ હાજર રહી શક્યા નહતા. ત્યારે સવાલ એ થાય છે કે, શું મુખ્યમંત્રી, વડાપ્રધાનનો કોઈ સંદેશ લઈને તેમના ઘરે મળવા પહોંચ્યા હતા?
ADVERTISEMENT
PMની બેઠકમાં હાજર નહોતા નીતિન પટેલ
થોડા દિવસો પહેલા જ કડીમાં એક રેલી દરમિયાન નીતિન પટેલને ગાયે અડફેટે લીધા હતા. જેમાં તેમના ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ વચ્ચે ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાને અચાનક ભાજપના કાર્યકર્તાઓ અને કોર કમિટીના સભ્યો સાથે કમલમમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાને નેતાઓને ટકોર કરી હોવાનું પણ કહેવાય છે. જોકે બેઠકમાં નીતિન પટેલ હાજર નહોતા એવામાં મુખ્યમંત્રીનું તેમને મળવા જવું કોઈ ખાસ વાત તરફ ઈસારો કરી રહ્યું છે. જોકે સીએમ ઓફિસ આ મુલાકાતને એક ઔપચારિક મુલાકાત બતાવી રહી છે.
નીતિન પટેલને ચૂંટણી લડવાની ઈચ્છા?
રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચાઓ ઉઠી છે કે, નીતિન પટેલને વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા છે. હાલમાં જ ભાજપે પોતાની કોર કમિટીમાં તેમને સમાવ્યા હતા. એવામાં પાર્ટીની તેમને સંગઠનમાં લેવાની ઈચ્છામાં ક્યાંક નીતિન પટેલ નારાજ ન થઈ જાય. ત્યારે અચાનક મુખ્યમંત્રી તેમને મળવા પહોંચતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.
કડીમાં તિરંગા રેલી દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા નિતિન પટેલ
નોંધનીય છે કે, કડીમાં તિરંગા યાત્રા દરમિયાન એક ગાય અચાનક રેલીમાં ઘુસી આવી હતી. જેણે નીતિન પટેલને અટફેટે લેતા તેમના ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. ડોક્ટર દ્વારા તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. CMO મુજબ, મુખ્યમંત્રી નીતિન પટેલના ખબર અંતર પૂછવા માટે તેમના ઘરે ગયા હતા.
ADVERTISEMENT