અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાના મતદાન માટે પ્રચારનો આજે અંતિમ દિવસ છે. અમદાવાદમાં આજે મુખ્યમંત્રીએ શહેરના ચેનપુર ગામથી લઈને ઓગણજ સુધી રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જોકે તેમના આ રોડ-શોમાં એક એમ્બ્યુલન્સ આવી જતા CMના કાફલાએ તેને આગળ જવાનો રસ્તો આપ્યો હતો.
ADVERTISEMENT
CMના રોડ શો દરમિયાન એમ્બ્યુલન્સ નીકળી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચેનપુર ગામથી લઈને ઓગણજ સુધી રોડ શો હતો. આ રોડ શો ગોતા વસંતનગરે પહોંચતા એક એમ્બ્યુલન્સ ત્યાંથી નીકલી હતી. જોકે મુખ્યમંત્રીના કાફલાએ ત્યાંથી એમ્બ્યૂલન્સને જવા માટે રસ્તો આપ્યો હતો. રોડ-શોમાં મુખ્યમંત્રી ખુલ્લી જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન જીલ્યું હતું અને તેમની સાથે હાથ મિલાવ્યા હતા.
અગાઉ PMના રોડ શોમાં પણ એમ્બ્યુલન્સ માટે રસ્તો અપાયો હતો
નોંધનીય છે કે, બે દિવસ પહેલા અમદાવાદમાં PM મોદીએ પણ રોડ શો કર્યો હતો. આ દરમિયાન પણ તેમના કાફલા પાછળ એક એમ્બ્યુલન્સ આવી જતા તેને આગળ જવાનો રસ્તો આપવામાં આવ્યો હતો. ત્યારે આજે મુખ્યમંત્રીના રોડ શોમાં પણ આવો જ એક સંયોગ બન્યો હતો અને તેમણે પણ સંવેદનશીલતા બતાવતા એમ્બ્યૂલન્સ માટે માર્ગ આપ્યો હતો.
અંતિમ ઘડીમાં પૂરજોશમાં પ્રચાર
ગુજરાતની ચૂંટણીમાં આજે પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે ભાજપ, કોંગ્રેસ તથા AAP દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અંતિમ પળો સુધી મતદારોને આકર્ષવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કલોલમાં પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રોડ શો યોજ્યો હતો. જ્યારે મોડાસામાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીનો રોડ-શો યોજાયો હતો.
ADVERTISEMENT