અમદાવાદ: ભારત તરફથી આ વર્ષે ઓસ્કાર માટે મોકલાયેલી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ના (Chhello Show) એક્ટર રાહુલ કોળીનું કેન્સરથી નિધન થઈ ગયું. ફિલ્મમાં એક્ટર ભાવિન રબારીએ લીડ રોલ પ્લે કર્યો છે અને રાહુલ કોળીએ તેમના મિત્રનું પાત્ર ભજવ્યું હતું. શોમાં મહત્વપૂર્ણ રોલ ભજવનાર 15 વર્ષના રાહુલને કેન્સર હતું. તેના પિતાએ જણાવ્યું કે, રાહુલને રહી રહીને તાવ આવતો હતો અને પછી તેને લોહીની ઉલ્ટીઓ થઈ. રાહુલની ફિલ્મ 2 દિવસ બાદ જ રિલીઝ થવાની છે.
ADVERTISEMENT
ત્રણ વખત લોહીની ઉલ્ટીઓ થઈ
રાહુલ કોળીના પિતાએ જણાવ્યું કે, રવિવારે સવારે તેણે નાસ્તો કર્યો અને પછી તેને તાવ આવી રહ્યો હતો અને તેને ત્રણ વખત લોહીની ઉલ્ટી થઈ અને પછી મારો દીકરો જતો રહ્યો. અમારો પરિવાર તૂટી ગયો. પરંતુ અમે તેના વિધિવત અંતિમ સંસ્કાર કર્યા બાદ તેની ‘ધ લાસ્ટ શો’ ફિલ્મ જરૂર જોવા જઈશું જે 14 ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થઈ રહી છે.
ફિલ્મમાં રાહુલની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ
રાહુલની ઉંમર માત્ર 15 વર્ષની હતી અને તેની ફિલ્મ ‘છેલ્લો શો’ આ વર્ષે 95મા એકેડમી એવોર્ડ માટે મોકલાઈ છે. દરેક ફિલ્મ ફેસ્ટિવલમાં પેન નલિનની આ ફિલ્મ અને રાહુલ કોળીના કામની ખૂબ પ્રશંસા થઈ છે. ફિલ્મમાં રાહુલ અને ભાવિન ઉપરાંત ઋચા મીના, ભાવેશ શ્રીમાળી, પરેશ મહેતા અને ટિયા સબેશ્ચિયને મુખ્ય પાત્ર ભજવ્યા છે.
શું છે છેલ્લો શો ફિલ્મની કહાણી?
ફિલ્મની સ્ટોરી સમય નામના એક બાળક વિશે છે જેને સિનેમાથી પ્રેમ થઈ જાય છે. ફિલ્મની સ્ટોરી થિયેટરોમાં આવેલા ટેકનિકલ ફેરફારના કારણે તમામ લોકોની રોજી રોટી છીનવાઈ જવાથી લઈને એક ફેનના સિંગલ સ્ક્રીન થિયેટર્સ અને નેગેટિવ રોલવાળી ફિલ્મોથી પ્રેમ સુધી તમામ પાસાઓને સ્પર્શે છે. ફિલ્મની સ્ટોરીને નિર્દેશક નલિનની અસલ જિંદગીથી પ્રભાવિત હોવાનું કહેવાઈ રહ્યું છે.
ADVERTISEMENT