વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપ, AAP અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી પણ બહાર પાડી દેવામાં આવી છે. તેવામાં ટિકિટોની વહેંચણીથી નારાજ નેતાઓને મનાવવા માટે ભાજપ સતત એક્ટિવ છે. ત્યારે વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની પણ ટિકિટ કપાઈ છે. જેથી તેઓ ઘણા નારાજ છે ત્યારે દબંગ નેતાએ અપક્ષ ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. આ દરમિયાન સી.આર.પાટીલ તેમને મનાવવા માટે પહોંચ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ADVERTISEMENT
સી.આર.પાટીલ મળવા માટે પહોંચ્યા- સૂત્રો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં સતત વાઘોડિયાથી જીતતા આવતા મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન મળતા તેઓ નારાજ છે. જેમને મનાવવા માટે અત્યારે સી.આર.પાટીલ ત્યાં પહોંચ્યા હતા.
મધુ શ્રીવાસ્તવ માન્યા નહીં અને…
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મધુ શ્રીવાસ્તવ માન્યા નહીં. તેમણે ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવવાનું મન બનાવી લીધું હોવાની માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવની સતત જીત થતી આવી છે. તેવામાં જો તેઓ અપક્ષ ચૂંટણી લડશે તો ભાજપને ફટકો પડી શકે છે.
મધુ શ્રીવાસ્તવે કહ્યું- હું સામેથી નહોતો ગયો ભાજપે બોલાવ્યો હતો
અગાઉ મીડિયા સાથેની વાતચીતમાં મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે મેં ભાજપને રામ રામ કરી દીધું છે. આ બેઠક મારો ગઢ છે અને હું અહીંથી જ ચૂંટણી લડીશ. અપક્ષ કે કોઈ પાર્ટી સાથે જોડાઈને એ નિર્ણય મારા કાર્યકર્તાઓ કરશે. હુ સતત અહીંથી જીતતો આવ્યો છું. જ્યારે મને ટિકિટ ન મળી એનાથી કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. તેથી જ મેં પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે. મારી સાથે 500 કાર્યકર્તાઓએ પણ ભાજપ સાથે છેડો ફાડ્યો છે.
With Input: દિગ્વિજય પાઠક
ADVERTISEMENT