દર્શન ઠકકર,જામનગર: રાજ્યમાં દારુબંધીની વાતો માત્ર નામ પૂરતી હોય તેવો ઘાટ ઘડાયો છે. રાજ્યના અનેક શહેરોમાંથી દારુ ઝડપાવવાની બાબત હવે સામાન્ય બની ગઈ છે. જામનગર શહેરમાં છેલ્લા 4 વર્ષ દરમિયાન ઝડપાયેલા દારુ પર પોલીસે બુલડોઝર ફેરવી દીધુ છે. દારુના તમામ જથ્થાનો પોલીસે નાશ કર્યો છે.
ADVERTISEMENT
જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન તેમજ રેલવે પોલીસ દ્વારા કબજે કરાયેલા 1 કરોડ 33 લાખની કિંમતના ઈંગ્લીશ દારૂના જથ્થા પર આજે બુલડોઝર ફેરવી દેવાયું હતું. શહેરના પ્રાંત અધિકારી તથા અન્ય પોલીસ અધિકારી અને નશાબંધી શાખાના અધિકારીઓની હાજરીમાં જામનગરની ભાગોળે નાઘેડી નજીક આ ઓપરેશન પાર પાડ્યું અને દારૂના જથ્થાનો સંપૂર્ણપણે નાશ કરી દેવાયો છે.
4 વર્ષથી ઝડપાયેલા દારુ પર બુલડોઝર કાર્યવાહી
છેલ્લા ચાર વર્ષમાં જામનગર પોલીસ અને રેલવે પોલીસ દ્વારા ઝડપાયેલા અંગ્રેજી દારૂના વિશાળ જથ્થા પર બુલડોઝર ફેરવાયું. જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી 9,547 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કે જેની કિંમત 41 લાખ 22 હજાર 900 રૂપિયા થાય છે, આ ઉપરાંત સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી પકડાયલો 13,162 નંગ દારૂની બાટલીનો જથ્થો કે જેની કિંમત 64,99,200 છે તેનો નાશ કરાયો. આ ઉપરાંત સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ પકડાયેલો 13,181 દારૂની બોટલનો જથ્થો કે જેની કિંમત 34,54,600 થાય છે. આ તમામ જથ્થાને જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી નજીક સરકારી ખરાબાની જગ્યામાં બુલડોઝર ફેરવી દેવાયું હતું.
આ પણ વાંચોઃ પેપર ફૂટતા હતા ત્યારે CM મીડિયા સામે ન આવ્યા પણ બજેટ આવ્યું એટલે આવી ગયાઃ અમિત ચાવડા
દારુના વિશાળ જથ્થાનો નાશ કરાયો
જેમાં જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી ડી ડી શાહ, ઉપરાંત જામનગર શહેર વિભાગના ડીવાયએસપી વરૂણ વસાવા, અને ત્રણેય પોલીસ ડિવિઝન ના પોલીસ અધિકારીઓ તથા નશાબંધી શાખાના અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા. આ તમામ અધિકારીઓની હાજરીમાં જ દારુના જથ્થા પર બુલડોઝર ફેરવી દઈ તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
દારુબંધીના લીરેલીરા ઉડે છે રોજ
રાજ્યમાં રોજબરોજ પ્રતિબંધ હોવા છતાં પણ હજારો અને લાખોની કિંમતનો દારુ ઝડપાય છે. પોલીસ અધિકારીઓ અને રાજ્યનું ગૃહખાતુ એક્શનમાં હોવાની વાત કરતું આવ્યું છે. પરંતુ છતાંય આવી રીતે દારુનો જથ્થો મળી આવવો એ અનેક સવાલો સીસ્ટમ પર ઉભા કરે છે. કારણ કે સીસ્ટમમાં ક્યાંક તો છીંડ હશે તો જ આટલી મોટી માત્રામાં દારુ પકડાય. બીજી વાત એ પણ વિચારવા જેવી છે કે જો કાર્યવાહી કડક કરવામાં આવે તો બીજા બુટલેગરો કે દારુની હેરાફેરી કરતા ઈસમો ડરે પણ અહીંયા તો રોજ દારુબંધીના લીરેલીરા ઉડતા જોઈને લાગે છે કે ક્યાંકને ક્યાંક આ બધુ સીસ્ટમનો એક ભાગ હોય એટલે જ આટલી કાર્યવાહી પછી પણ કોઈને ડર નથી લાગતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT