વડોદરા: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે દાહોદમાં જનસભા સંબોધીને તેમણે વડોદરામાં રોડ શો કાઢ્યો હતો. જોકે રોડ શો પહેલા કેજરીવાલનો વિરોધ થયો હતો. દિલ્હીમાં AAPના મંત્રી ભગવાન વિરોધી શપથ સમારોહમાં સ્ટેજ પર હાજર રહેતા ગુજરાતમાં AAPનો વિરોધ થઈ રહ્યો છે. એવામાં વડોદરામાં AAPની તિરંગા યાત્રા પહેલા તોડફોડ થઈ હતી.
ADVERTISEMENT
રોડ પર લાકડી લઈને આવેલા ટોળાએ કરી તોડફોડ
વડોદરામાં અરવિંદ કેજરીવાલની તિરંગા યાત્રા પહેલા AAPના હોર્ડિંગ્સ અને પોસ્ટરોને કેટલાક લોકોએ તોડી પાડ્યા હતા. લાકડીઓ લઈને રોડ પર આવેલા ટોળાએ રોડ શોના રૂટ પર લાગેલા બેનરો ફાડી નાખ્યા હતા અને હોર્ડિંગ્સ પણ તોડી નાખ્યા હતા. આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ પર આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.
ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહાર કર્યા
આ સમગ્ર મામલે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, શહેર ભાજપ પ્રમુખે પોલીસને રેલીની પરવાનગી રદ કરવા માટે માંગ કરતાં માહોલ ગરમાયો હતો. ભાજપના શહેરના પ્રમુખને કેવી રીતે ખબર પડી કે બબાલ થશે? ભાજપના શહેર પ્રમુખે બબાલ માટે ગુંડાઓ તૈયાર કરી રાખ્યા છે? ભાજપના લોકો હિંસા પર ઉતરી આવ્યા, કેમ કે ચૂંટણી હારી રહ્યા છે. રેલીમાં બબાલ થશે તો ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠશે.
(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક)
ADVERTISEMENT