રોનક જાની/નવસારી: વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સંઘર્ષ યાત્રાનું આયોજન કરાયું હતું. ત્યારે નવસારીના ખેરગામમાં અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય અનંત પટેલને ગાડીમાંથી નીચે ઉતારી માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. હુમલામાં અનંત પટેલના માથામાં ઈજા પહોંચતા લોહી નીકળ્યું હતું. આ મામલે અનંત પટેલ દ્વારા કહેવાયું છે કે, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીર અને તેમના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ખેરગામના સરપંચને મળવા જતા થયો હુમલો
પ્રાપ્ત જાણકારી મુજબ, MLA અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા, આ દરમિયાન તેમના પર કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં તેમના માથામાં ઈજા પહોંચતા લોહી નીકળ્યું હતું. લોહીલુહાણ હાલતમાં જ રસ્તા પર બેસી ગયા હતા. આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે. જ્યારે મોટી સંખ્યામાં લોકોનું ટોળું રોડ પર એકઠું થઈ ગયું હતું.
આવતીકાલે AAPમાં જોડાવાના હતા અનંત પટેલ?
સૂત્રો મુજબ મળતી જાણકારી પ્રમાણે ધારાસભ્ય અનંત પટેલ આવતીકાલે વલસાડના ધરમપુરમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં કોંગ્રેસ છોડીને કેજરીવાલ સાથે મુલાકાત કરવાના હતા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે AAPમાં જોડાવાના હતા. જોકે તેઓ AAPમાં જોડાય તે પહેલા જ તેમના પર હુમલો થતા રાજકીય માહોલ ગરમાયો છે.
(વધુ માહિતી ઉમેરવામાં આવી રહી છે)
ADVERTISEMENT