નવસારીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની ગણતરીના કલાકો પહેલા ભાજપના કદાવર નેતા પર હુમલો થયો છે. વાંસદા વિધાનસભાના ભાજપના ઉમેદવાર પીયુષ પટેલ પર અજાણ્યા શખસોએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. એટલું જ નહીં ભાજપના ઉમેદવારની ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ હુમલા દરમિયાન પીયુષ પટેલને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે.
ADVERTISEMENT
પીયુષ પટેલને માથામાં ઈજા થઈ
વાંસદા વિધાનસભાના ભાજપના ઉમેદવાર પીયુષ પટેલ પર હુમલો થયો છે. ઝરી ગામમાં અજ્ઞાત શખસોએ અચાનક તેમની ગાડી પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન તેમણે ગાડીના કાચ તોડી નાખ્યા હતા. તો બીજી બાજુ ભાજપના ઉમેદવાર પીયુષ પટેલ પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં પીયુષ પટેલને માથાનાં ભાગમાં ઈજા પહોંચી છે. જેને લઈને પહેલા તેમને પ્રાથમિક સારવાર લીધી હતી.
પોલીસ સ્ટેશન બહાર કોંગ્રેસ વિરોધી નારા લાગ્યા..
પીયુષ પટેલના સમર્થકોએ આ હુમલા પાછળ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થકોનો હાથ હોવાનો દાવો કર્યો છે. આ હુમલા પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચતા પીયુષ પટેલના સમર્થકોએ કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. અત્યારે સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આની પાછળ કોનો હાથ હોઈ શકે છે એની સત્તાવાર માહિતી ત્યારપછી જ બહાર આવશે.
With Input: રોનક જાની
ADVERTISEMENT