બનાસકાંઠાઃ વડાપ્રધાન મોદીની થરાદ સભા દરમિયાનનો એક કથિત વીડિયો અત્યારે વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક શખસ દ્વારા જે સભા હતી તેના મંડપના એક લોખંડના થાંભલાના નટ બોલ્ટ ઉખાડતો નજરે પડી રહ્યો છે. તેવામાં હવે વડાપ્રધાન મોદીની સુરક્ષામાં થયેલી આ મોટી ચૂકના કારણે ગંભીર દુર્ઘટના પણ ઘટી શકી હોત. એટલું જ નહીં આ સભામાં અંદાજે લાખો લોકોની જનમેદની ઉમટી આવી હતી, તેવામાં જો મંડપના એક થાંભલાના નટ બોલ્ટ સાથે આવા ચેડા કરાયા છે અને મોટી દુર્ઘટના ઘટી હોત તો ભારે જાનહાનિ થઈ શકી હોત. જોકે હવે સવાલ એ ઊભો થાય છે કે વડાપ્રધાનની સભામાં એક શખસ દ્વારા નટ બોલ્ટ ખોલાયા અને સુરક્ષાકર્મીઓનું ધ્યાન પણ ન પડ્યું. આવી ચૂક કેટલી ગંભીર થઈ શકે છે એ જોવાજેવું રહ્યું.. ચલો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ…
ADVERTISEMENT
મોટી જાનહાનિ ટળી, PM મોદીની સુરક્ષામાં ગાબડું
આ વાઈરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે આ શખસ દ્વારા મંડપના નટ બોલ્ટ ખોલવામાં આવી રહ્યું છે. જોકે આ ઘટના એકપણ સુરક્ષાકર્મીના નજરમાં કેમ ન આવી એ પણ સણસણતો સવાલ થઈ રહ્યો છે. જો આ કથિત વીડિયો પ્રમાણે જોવા જઈએ તો લાખો લોકો અત્યારે ડોમ પર હાજર હતા અને તેવામાં મંડપના બોલ્ટ છૂટા કરવાથી કોઈ મોટી ગંભીર દુર્ઘટના પણ સર્જાઈ હોત. તેવામાં ક્યાંકને ક્યાંક તંત્રની પણ ગંભીર બેદરકારી જોવા મળી રહી છે.
પોલીસે શખસની અટકાયત કરી
જોકે વીડિયો વાઈરલ થયા પછી તંત્ર સફાળુ જાગી ગયું હતું. વડાપ્રધાન મોદીના કાર્યક્રમ દરમિયાન મંડપના નટ બોલ્ટ ખોલતા શખસની પોલીસે અટકાયત કરી દીધી છે. અત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા આ ધરપકડ કરાયેલા શખસ વિશે માહિતી અપાઈ રહી નથી. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ યુવક થરાદ તાલુકાના ઈઢારા ગામનો રહેવાસી છે. પોલીસ અત્યારે તેની પૂછપરછ કરી રહી છે. હવે ટૂંક સમયમાં પોલીસ તપાસ પછી આ યુવકે કેમ આ કૃત્ય કર્યું એ સામે આવશે.
With Input- શક્તિસિંહ રાજપૂત, ધનેશ પરમાર
ADVERTISEMENT