સંજયસિંહ રાઠોડ / સુરતઃ ડિજિટલ યુગમાં હવે ઓનલાઈનનો જમાનો છે. તેવામાં લોકોને બહાર માર્કેટમાં શોપિંગ કરવા જવાના બદલે દરેક વસ્તુ ઓનલાઈન ઘરે બેઠા ઓર્ડર કરવામાં રસ છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે વસ્તુ ઓનલાઈન ઓર્ડર કરી રહ્યા છો તે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ? આવા જ એક રેકેટનો પર્દાફાશ ગુજરાતના સુરતમાંથી થયો છે. જેના પર નજર કરતા તમે ઓનલાઈન માલ મંગાવતા પહેલા હજાર વખત વિચાર કરશો. સુરત પોલીસના સાયબર સેલે ઓનલાઈન બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લીકેટ સામાન વેચતા 2 લોકોની ધરપકડ કરી છે. જેમની પાસેથી અંદાજે 27 લાખની કિંમતની ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
બ્રાન્ડેડ પ્રોડક્ટ્સનું ડુપ્લિકેટ વર્ઝન વેચતા હતા
સુરત પોલીસની સાયબર સેલની ટીમને બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે પૂણાગામ સીતા નગર ચોકડી પાસે આવેલા રાજમહેલ એસી મોલના પહેલા માળે ઓનલાઈન ધંધો કરતા જમીલ નરેશ ભરોલીયા અને તેનો ભાગીદાર કેનીલ વિનુભાઈ ઝાંસલિયા ડુપ્લિકેટ કોસ્મેટિક આઈટમનું વેચાણ કરી રહ્યા છે. મળેલી બાતમીના આધારે સુરત પોલીસની સાયબર ક્રાઈમની ટીમે દરોડો પાડીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
જેમાં હિન્દુસ્તાન યુનિલિવર કંપનીની લેકમે કાજલ, લેકમે લિપસ્ટિક, ડવ શેમ્પૂ, ઈન્દુલેખા ભૃંગરાજ હેર ઓઈલ, હેર કંડીશનર, મેરીકો કંપનીના બેર્ડો હેર કોપીરાઈટ કબજે કર્યા હતા. તેલ, રીક્રીટ બેન્સી કીઝર કંપનીની બીટ હેર રીમુવલ ક્રીમ અને હોંસા કન્ઝ્યુમર પ્રાઈવેટ લીમીટેડ કંપનીનું હેર ઓઈલ, કન્ડીશનર, મામાઅર્થનું ઓનિયન હેર ઓઈલ અને શેમ્પુ સહિત 26 લાખ 81 હજારની જુદી જુદી કંપનીના ડુપ્લીકેટ માલ અને ખાલી બોટલના સ્ટીકરો મળી કુલ 2 લોકોની ધરપકડ કરી ફરીયાદ નોંધવામાં આવી છે.
પોલીસે તમામ સામાન ફ્રિઝ કરી લીધા
સુરત પોલીસના સાયબર ક્રાઈમ સેલની ટીમના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પકડાયેલા બંને આરોપીઓ ધોરણ 12 સુધી ભણેલા છે. જેમાંથી એકે ફેશન ડિઝાઈનિંગનો પણ અભ્યાસ કર્યો છે. આ બંને આરોપીઓ છેલ્લા એક વર્ષથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શેમ્પુ અને હેર ઓઈલ કંડીશનર સહિત વિવિધ પ્રકારની વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરતા હતા. જેવી તેમની ટીમને આ અંગે જાણ થઈ કે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમની પાસેથી મળી આવેલી સામગ્રીને ફ્રિઝ પણ કરી દેવાઈ છે.
ADVERTISEMENT