સુરત: રાજ્યમાં બેટલેગરોને હવે પોલીસ કે કાયદાનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં ગણેશ વિસર્જનની આગલી રાત્રે મંડપની બહાર જાહેરમાં બિયરની બોટલો સાથે ઠૂમકા મારતા બુટલેગરનો વીડિયો વાઈરલ થયો છે. બુટલેગરે ગણેશ પંડાલની સામે જ કિન્નરોને બોલાવી તેમની સાથે ઠૂમકા લગાવ્યા અને નોટો પણ ઉડાવી હતી. વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર મામલે પોલીસ દ્વારા 7 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
જાહેરમાં બિયર હાથમાં લઈ ઠૂમકા માર્યા
સુરતના બેગમપુરામાં મપારા શેરીમાં આવેલા ગણેશ પંડાલમાં ગણેશ વિસર્જનની આગલી રાત્રે જાહેરમાં બિયરની બોટલો સાથે કેટલાક લોકોએ DJના તાલે ઠૂમકા લગાવ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જે બાદ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ વીડિયો સામે આવતા પોલીસે પણ તપાસ શરૂ કરી હતી. જેમાં ગણેશ ઉત્સવના આયોજકની પૂછપરછ કરી હતી.
પોલીસે 7 લોકો સામે ગુનો નોંધ્યો
પોલીસે વીડિયોમાં દેખાતા સાત લોકો સામે ફરિયાદ નોંધી હતી. જેમાં એક આરોપી હિરેન રાણાનો મિત્ર અને બુટલેગર અનિલ ઉર્ફે એલુ ડેલુ રાણા પણ હતો. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ આયોજકોની જાણ બહાર જ કિન્નરોને બોલાવ્યા હતા અને ગણેશ પંડાલની સામે જ DJના તાલે બિયરની બોટલો સાથે ઠુમકા લગાવ્યા હતા.
ADVERTISEMENT