નશાનો કાળો કારોબાર ઝડપવામાં પોલીસ અગ્રેસર, 2019 કરતાં 2022 માં 10 ગણો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો

અમદાવાદઃ બે વર્ષ બાદ રાજ્યમાં આ વર્ષે ઘણા સ્થળો પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યા હતા. આ પાર્ટીઓમાં કોઈપણ પ્રકારના નશીલા પદાર્થનું સેવન ન…

gujarattak
follow google news

અમદાવાદઃ બે વર્ષ બાદ રાજ્યમાં આ વર્ષે ઘણા સ્થળો પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યા હતા. આ પાર્ટીઓમાં કોઈપણ પ્રકારના નશીલા પદાર્થનું સેવન ન થાય કે દારુ,ડ્રગ્સ કે અન્ય નશીલા પદાર્થનું સેવન કરી બહાર ન ફરે તેના પર ખાસ નજર રાખવા આવી હતી.જેને લઈને રાજ્યની પોલીસ પણ એક્ટિવ મોડમાં જોવા મળી હતી. ગેરકાયદેસર દારુ અને ડ્રગ્સ વેચનારા પર પણ ચાંપતી નજર રાખવામાં આવી હતી.

રાજ્યની પોલીસે વર્ષ 2022ના અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બરના દિવસે રાજ્યમાંથી પોલીસે ડ્રગ્સનો 10 ગણો જથ્થો ઝડપ્યો છે.રાજ્યને ડ્રગ્સથી મુક્ત રાખવા પોલીસે અગ્રેસર કામગીરી નિભાવી છે. વિવિધ પરિણામલક્ષી કામગીરી દ્વારા પોલીસે ગુજરાતમાંથી વર્ષ 2019ની સરખામણીએ 2022માં ડ્રગ્સનો 10 ગણો વધુ જથ્થો ઝડપી પાડ્યો છે. રાજ્યમાં ડ્રગ્સના દુષણને ડામવા માટે ગુજરાત પોલીસે સતત કાર્યશીલ છે.

2022માં 5 હજાર કરોડ કરતા વધુ ડ્રગ્સ જપ્ત થયું
ગુજરાતમાંથી ઝડપાયેલા નાર્કોટિક ડ્રગ્સના જથ્થા વિશે વાત કરીએ તો, વર્ષ 2019માં 511.87 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. વર્ષ 2021માં 1,617 કરોડનું ડ3ગ્સ ઝડપાયું હતું. તો પોલીસના સતત સઘન ચેકિંગ બાદ પણ વર્ષ 2022માં અધધ 5,137 કરોડનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે ગુજરાત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ટીમો DRI,ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટગાર્ડ સાથેની સંયુક્ત કામગીરી અને વિવિધ ફેક્ટરી પર દરોડા પાડીને વર્ષ 2019ની સરખામણીમાં 2022માં 10 ગણો નાર્કોટિક જથ્થો જપ્ત કરવામાં પોલીસને સફળતા મળી છે. ગુજરાત પોલીસે કરેલા એક ટ્વિટમાં આ માહિતી સામે આવી છે.

ગુજરાત પોલીસે બે વર્ષમાં મેગા ઓપરેશનો કરી 6800 કરોડના ડ્રગ્સ સાથે 44 પાકિસ્તાની, 7 ઇરાની, 4 અફઘાની અને 1 નાઇજિરિયન ડ્રગ્સ માફિયાને ઝડપી લીધા છે. જેમાં ચાર દિવસ પૂર્વે પ્રથમવાર ઓખાના દરિયા કિનારેથી 10 પાકિસ્તાની સાથે ઝડપાયેલી બોટમાંથી 280 કરોડના 40 કિલો હેરોઇન સાથે હથિયારો પણ પકડાતાં ડ્રગ્સ માફિયાના ઇરાદા ખૌફનાક હોવાનું જણાય છે. પરંતુ ડ્રગ્સની ઘુસણખોરી અટકાવવા જે આક્રમકતા દર્શાવાઇ છે તેવી રાજકોટ, સુરત અને વડોદરા સહિતના મહાનગરોમાં યુવાધનને બરબાદ કરવા ફેલાયેલા ડ્રગ્સના કારોબાર સામે દર્શાવાતી નથી.

નશાના કાળા કારોબારને રોકવા પોલીસ મક્કમ છે. થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પર સઘન ચેકિંગ અને કાર્યવાહી હાથ ધરી હતી. જેના કારણે આટલી મોટી માત્રામાં યુવાધનને બરબાદ કરનાર ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ આવ્યો છે. પણ રાજ્યમાં ડ્રગ્સના આટલી મોટી માત્રામાં મળેલો જથ્થો સરકાર, યુવાઓ અને પોલીસ પ્રત્યે થોડા સવાલો પણ ઉભા કરે છે. જેમકે,

  1. શું ગુજરાત નશાનું હબ બનતુ જાય છે, કારણ કે દર વર્ષે આગલા વર્ષ કરતા મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડવામાં આવે છે.
  2. પ્રતિબંધ છતા આટલી મોટી માત્રામાં ડ્રગ્સ કોણ પહોંચાડે છે.
  3. ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું કાવતરુ કોના દ્વારા રચવામાં આવે છે.
  4. હજારો, લાખો કરોડોનું ડ્રગ્સ કેમ ખાનગી બંદરો પરથી ઝડપાય છે.
  5. આટલા બધા ડ્રગ્સના લાખો, કરોડો રુપિયા ચૂકવે છે કોણ, કોને ચૂકવાય છે અને કઈ રીતે ચૂકવવામાં આવે છે.

આવા અનેક સવાલો ઉદ્ભવી રહ્યાં છે પણ સાથે પોલીસની કામગીરીની પ્રશંસા કરવી પણ ઘટે કારણ કે આટલી મોટી માત્રામાં ઝ઼ડપાયેલો જથ્થો જો યુવાનો સુધી પહોંચી ગયો હોત તો તેમનું જીવન બરબાદ થઈ જાત. પંજાબમાં સૌથી વધાતે નશીલુ ડ્રગ્સ ઝડપાતું હતુ હવે ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 15 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું.

 

    follow whatsapp