નરોડાથી BJPમાંથી પાયલ કુકરાણીએ ઉમેદવારી નોંધાવી, રમખાણોમાં પિતાના દોષિત હોવાના આરોપો પર કહ્યું…

સૌરભ વક્તાનિયા/અમદાવાદઃ ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નરોડા બેઠક પરથી પાયલ કુકરાણીને ટિકિટ આપી છે. તેમણે મંગળવારે ફોર્મ ભર્યું હતું. આની ખાસ વાત એ રહી કે…

gujarattak
follow google news

સૌરભ વક્તાનિયા/અમદાવાદઃ ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નરોડા બેઠક પરથી પાયલ કુકરાણીને ટિકિટ આપી છે. તેમણે મંગળવારે ફોર્મ ભર્યું હતું. આની ખાસ વાત એ રહી કે આ દરમિયાન તેમની સાથે નરોડાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી માયા કોડનાની પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ સતત પાયલ કુકરાણીની ઉમેદવારી પર સવાલ ઉઠાવી રહી છે. જોકે કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે ભાજપે નરોડા પાટિયા રમખાણોના આરોપીની દીકરીને ટિકિટ આપી છે.

પાયલે રોડ શો કર્યો….
પાયલ કુકરાણી મંગળવારે રોડ શો કરતી વખતે અમદાવાદ કલેક્ટર ઓફિસ પહોંચી હતી. આ દરમિયાન તેમની સાથે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. શરૂઆતમાં પાયલની સાથે તેના પિતા મનોજ કુકરાણી હતા. જોકે તેમણે રોડ શોમાં ભાગ લીધો ન હતો.

પાયલે કહ્યું સમાજના વિકાસ માટે કામ કરીશ…
તે જ સમયે, નરોડાથી ભાજપના ઉમેદવાર પાયલ કુકરાણીએ કહ્યું કે હું ખૂબ જ ખુશ છું કે પાર્ટીએ મારામાં વિશ્વાસ દર્શાવ્યો છે. હું નરોડામાં વિકાસ કરીશ. અમે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. જ્યારે તેને તેના પિતા પર લાગેલા આરોપો અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે નકારાત્મક બાજુ ન જુઓ. હું શિક્ષિત છું. હું રાજકારણમાં નવી છું પણ સમાજના વિકાસ માટે કામ કરવા માગુ છું.

માયા કોડનાનીએ પાયલના પિતા વિશે શું કહ્યું?
નરોડાના પૂર્વ ધારાસભ્ય માયા કોડનાનીએ કહ્યું કે મને ખાતરી છે કે પાયલ જીતશે. તેણે કહ્યું કે પાયલ શિક્ષિત છે અને તે યુવાન છે. આ વિસ્તારના લોકોને શિક્ષિત ધારાસભ્ય મળશે. તે લોકો માટે કામ કરશે. તે જ સમયે, જ્યારે માયા કોડનાનીને પૂછવામાં આવ્યું કે પાયલના પિતા નરોડા પાટિયા રમખાણોના આરોપી છે, તો તે આના પર પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે તે આ અંગે કંઈ કહી શકે તેમ નથી. પાર્ટી જ કહી શકે છે.

બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસ અને એનસીપીએ ગઠબંધન કર્યું છે. નરોડા પર NCP ઉમેદવાર નિકુલ સિંહ તોમરે કહ્યું કે પાયલ મારી બહેન જેવી છે. પરંતુ એક વાત જણાવી દઈએ કે મનોજ કુકરાણી એક દોષિત છે અને તેને ખરાબ તબિયતના આધારે જામીન મળ્યા છે. પરંતુ તેઓ દરેક જગ્યાએ પ્રચાર કરી રહ્યા છે.

શું છે નરોડા પાટિયા રમખાણ? 
ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં 97 લોકો માર્યા ગયા હતા. આ તોફાનમાં 33 લોકો ઘાયલ પણ થયા હતા. ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સળગાવવાના એક દિવસ બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2009માં નરોડા પાટિયા કેસની સુનાવણી શરૂ થઈ હતી. જેમાં 62 આરોપીઓ સામે આરોપો દાખલ કરવામાં આવ્યા હતા. આ જ યાદીમાં મનોજ કુકરાણીનું નામ પણ સામેલ હતું. હવે ભાજપે નરોડાથી તેમની જ પુત્રીને ચૂંટણી મેદાનમાં ઉતારી છે.

    follow whatsapp