બનાસકાંઠા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દાંતાના ઉમેદવારની મુશ્કેલીઓ હજુ પણ વધી શકે છે. ચૂંટણી જીતવા પર ટોપલામાં ભરીને દારૂ વેચવા દેવાની વાત કરનારા ભાજપના ઉમેદવાર લાધુ પારગીના મત વિસ્તારમાં જ વધુ એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં ભાજપની ટોપી અને ખેસ પહેરીને કેટલાક યુવકો જાહેરમાં લોકોમાં પૈસાની વહેંચણી કરી રહ્યા છે. જોકે Gujarat Tak આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
ADVERTISEMENT
યુવકોએ લાઈનમાં બેઠેલા લોકોને પૈસા પહેંચી રહ્યા છે
હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવી રહ્યો છે.જે દાંતાનો હોવાનું કહેવાઈ રહ્યું છે, જેમાં ભાજપનો ખેસ અને ટોપી પહેરેલા કેટલાક લોકો લાઈનમાં નીચે બેઠેલા લોકોને પૈસાની પહેંચણી કરી રહ્યા છે. બે દિવસ પહેલા જ દાંતામાં આ પ્રકારનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે સાડી અને પૈસા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર આ વીડિયોથી દાંતાના ભાજપના ઉમેદવારની મુશ્કેલી વધી શકે છે.
અગાઉ પણ દારૂના નિવેદન મામલે દાંતાના ઉમેદવાર સામે ફરિયાદ થઈ
દાંતાના ભાજપના ઉમેદવારે ચૂંટણી પ્રચાર દરમિયાન નિવેદન આપ્યું હતું કે, મારી બેન સંતાડીને દારુ વેચે છે. કેટલાક અંગ્રેજી દારુ ખુલ્લામાં વેચે છે. પણ ચિંતા ન કરો, હું જીતી જઈશ તો ટોપલામાં દારુ વેચાવડાવીશ. જોકે તેમનો આ વીડિયો સામે આવતા ગઈકાલે મામલતદાર હર્ષાબેન રાવલ દ્વારા પોલીસ સ્ટેશનમાં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે હવે પૈસાની વહેંચણી કરતો વીડિયો સામે આવતા તેમની સામે વધુ એક ફરિયાદ નોંધાઈ શકે છે.
(વિથ ઈનપુટ: શક્તિસિંહ રાજપૂત)
ADVERTISEMENT