Impact Of Gujarat Tak Report: રાજકોટમાં આવાસ યોજનામાં કૌભાંડના આક્ષેપ મામલે ગુજરાત તક (Gujarat Tak)ના અહેવાલની અસર પડી છે. આ અંગેનો ગુજરાત તક દ્વારા અહેવાલ પ્રકાશિત કરાયા બાદ રાજકોટના વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવ અને વજીબેન ગોલતર સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાયદો અને નિયમનના ચેરમેન પદેથી દેવુબેન જાદવની હકાલપટ્ટી કરવામાં આવી છે.
ADVERTISEMENT
રિપોર્ટ ન આવે ત્યાં સુધી હાજર ન રહેવાની સૂચના
બંન્ને કોર્પોરેટર (દેવુબેન જાદવ અને વજીબેન ગોલતર) અને તેમના પતિને RMC ઓફિસ અને ભાજપના કાર્યક્રમમાં હાજર ન રહેવાની સૂચના અપાઈ છે. જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી હાજર ન રહેવાની સૂચના આપવામાં આવી છે. જો રિપોર્ટમાં કસૂરવાર સાબિત થશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
રાજકોટમાં ગરીબોના હકના આવાસમાં મોટું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો હતો. શહેરના સંત કબીર રોડ પર બનાવવામાં આવેલા ગોકુલ નગર આવાસમાં ભાજપના બે મહિલા કોર્પોરેટના પતિએ કૌભાંડ આચર્યાનો આક્ષેપ થયો હતો. વોર્ડ નંબર 5 અને 6ના કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતર અને દેવુંબેન જાદવના પતિ મનસુખ જાદવે કોર્પોરેશનમાં સેટિંગ કરી કૌંભાંડ આચર્યું હોવાનનો આક્ષેપ થતાં રાજકોટના મેયરે તપાસનો આદેશ આપ્યો હતો.
20 ફ્લેટ મેળવી લીધા હોવાનો આક્ષેપ
શહેરના સંત કબીર રોડ પર ગોકુલ નગર આવાસ બનાવવામાં આવ્યા છે. જેનો થોડા દિવસ પહેલા ડ્રો થયો હતો. જે બાદ કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતર અને દેવુંબેન જાદવના પતિ મનસુખ જાદવે ગરીબોના હકના 20 ફ્લેટ પોતાના અને સગા વ્હાલાઓને નામે મેળવી લીધા હોવાનો આક્ષેપ થતાં રાજકોટમાં મોટો હડકંપ મચી ગયો હતો.
આક્ષેપ બાદ આવ્યા હતા નિવેદનો
ઝૂંપડપટ્ટી હટાવી ત્યાં રહેતા લોકો માટે આવાસ બનાવાયા હતા. જેમાંથી 20 ફ્લેટ 2 કોર્પોરેટરના પતિએ સેટિંગ કરીને પચાવી લીધા હોવાનો આક્ષેપ થતાં બંનેનું નિવેદન પણ સામે આવ્યું હતું. મહિલા કોર્પોરેટરના પતિ મનસુખભાઈ જાદવે જણાવ્યું હતું કે,'અમારા મકાન ત્યાં છે એટલે અમને આવાસ મળ્યા છે. ડોક્યુમેન્ટનાં આધારે અમને આવાસ મળ્યા છે. હું 50 વારના મકાનમાં રહ્યુ છું એટલે આવાસ મળ્યો છે. અમે કોઈ બંગલા વાળા અને પૈસા વાળા નથી એટલે અમે ફોર્મ ભર્યું છે. અમારા સગા વ્હાલા ત્યાં રહે છે એટલા માટે એમને આવાસ મળ્યા છે.'
તો ગોકુલનગર આવાસ યોજના કૌભાંડ મામલે કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતરે જણાવ્યું હતું કે, 'જે લોકોને આવાસ આપવાના છે તે લોકો ત્યાં રહે છે, આવાસનો ડ્રો થઈ ગયો છે ફાળવણી હજી બાકી છે. મારા સગા વ્હાલાને આવાસ મળ્યા છે તેઓ ત્યાં રહે છે એટલે તેઓને આવાસ મળ્યા છે.'
ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ
ADVERTISEMENT