નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ભાજપના તાલુકા યુવા મોરચાના મહામંત્રી દારૂની હેરાફેરીને પકડાતા ચકચાર મચી ગઈ છે. ભાજપના નેતા સહિત બે શખ્સો કારમાં વિદેશી દારૂ લઈ જતા પકડાઈ ગયા હતા. જે બાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.
ADVERTISEMENT
વિગતો મુજબ દેડિયાપાડા પોલીસ સ્ટેશનના પીઆઈએ બાતમીના આધારે બયડી ગામથી મગરદેવ જવાના રસ્તે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી નીકળતી એક કારને રોકવામાં આવી હતી. જેની તપાસ કરતા અંદર દેડિયાપાડા તાલુકા ભાજપના યુવા મોરચાના મહામંત્રી અજય વસાવા બેઠેલા હતા તથા તેમની સાથે કારમાં અન્ય બે વ્યક્તિ પણ હાજર હતા. કારની તપાસ કરતા અંદરથી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત 2.40 લાખ રૂપિયા જેટલી થાય છે.
આ સાથે જ પોલીસે રૂ.90 હજારની કિંમતના 3 મોબાઈલ પણ મળી આવ્યા હતા. આથી પોલીસે દારૂ, ફોન તથા કાર સહિત 8.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ભાજપના યુવા મોરચાના મહામંત્રી સહિત 3 લોકોની ધરપકડ કરી હતી અને તેમની વિરુદ્ઘ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ દાહોદ તાલુકાની ખંગેલા બોર્ડર પર અમુલ મિલ્ક મશીનના સ્ટ્રક્ટરની આડમાં જૂનાગઢ લઈ જવાના 23 લાખના દારૂનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT