વડોદરા: ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે ચૂંટણીમાં ટિકિટ ન મળતા ઘણા નેતાઓ નારાજ છે. પાર્ટીએ 39 જેટલા સીટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે. આ વચ્ચે ઘણા ધારાસભ્યોએ અપક્ષથી ચૂંટણી લડવા ફોર્મ ભર્યા છે. ત્યારે વડોદરામાં પાર્ટીમાં જ રહીને પક્ષને નુકસાન કરનારા 51 જેટલા લોકોને ભાજપે એકસાથે સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવના પુત્રી નીલમ શ્રીવાસ્તવ પણ સામેલ છે.
ADVERTISEMENT
ભાજપે કોને-કોને સસ્પેન્ડ કર્યા?
વડોદરા જિલ્લા ભાજપે ગઈકાલે મોટી કાર્યવાહી કરતા પાર્ટી વિરુદ્ધ કામગીરી કરનારા પાદરા અને વાઘોડિયા તાલુકાના બળવાખોરો સામે લાલ આંખ કરતા 51 જેટલા લોકોને સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં પાદરા નગરપાલિકાના 10 સદસ્યોને સામેલ છે. બીજી તરફ વાઘોડિયામાં અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનારા વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવના પુત્રી નીલમ શ્રીવાસ્તવને પણ ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ પહેલા ગત અઠવાડિયે જ ભાજપે મધુ શ્રીવાસ્તવ, દિનુ મામાએ અપક્ષથી ઉમેદવારી નોંધાવતા તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હવે આ નેતાઓના સમર્થકોને પણ પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.
મહિસાગર જિલ્લામાં પણ 8 નેતાઓ સસ્પેન્ડ
નોંધનીય છે કે, આ પહેલા ગઈકાલે જ મહિસાગર જિલ્લામાં પણ અપક્ષના નેતાનો પ્રચાર કરનારા 8 જેટલા નેતાઓને ભાજપે સસ્પેન્ડ કરી દીધા હતા. જિલ્લા ભાજપ પ્રમુખે 8 હોદ્દેદારો પર આકરા પગલાં ભર્યા હતા. તેમણે અપક્ષ ઉમેદવાર જે.પી પટેલનો પ્રચાર કરતા આ તમામ ભાજપના નેતા સામે લાલ આંખ કરી હતી. પાર્ટીએ તમામ માહિતી એકઠી કર્યા પછી તાત્કાલિક ધોરણે 8 નેતાને સસ્પેન્ડ કરતા ચર્ચાનો મુદ્દો ગરમાયો હતો. સસ્પેન્ડ લેટરમાં ભાજપે જણાવ્યું છે કે આ પગલાં તમામ પ્રકારના વીડિયો પુરાવા ચકાસ્યા પછી લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT