અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે એકબાજુ નેતાઓ પૂરજોશમાં પ્રચાર કાર્યમાં લાગ્યા છે. રોડ-શો, સભાઓ દ્વારા તમામ પક્ષના નેતાઓ મતદારો વચ્ચે જઈને તેમને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે નેતાઓની આ ભીડનો લાભ લઈને કેટલાક ખિસ્સા કાતરું ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. અમદાવાદમાં પણ એક સંસદસભ્યને ચૂંટણી પ્રચાર દરમિયાન કડવો અનુભવ થયો હતો. પ્રચાર દરમિયાન અજાણ્યા ઈસમ સાંસદનું પાકિટ ચોરી ગયા હતા. જે અંગે સાંસદે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
ભૂષણ ભટ્ટ માટે ચૂંટણી પ્રચાર કરતા સાંસદનું પાકીટ ચોરાયું
અમદાવાદ પશ્ચિમના સાસંદ ડો. કિરીટ સોલંકી ગઈકાલે 1લી ડિસેમ્બરે જમાલપુર-ખાડિયાના ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ માટે ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા. તેઓ બાઈક મહારેલીમાં જોડાયા હતા આ દરમિયાન કોઈ ખિસ્સા કાતરુંએ ડો. કિરીટ સોલંકીનું પાકીટ ચોરી લીધું હતું. આ અંગે સાંસદે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પાકીટમાં કેટલી મતા હતી?
પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ડો. કિરીટ સોલંકી ગઈકાલે ભૂષણ ભટ્ટના ચૂંટણી પ્રચારમાં બાઈક મહારેલીમાં ભાગ લેવા બહેરામપુરા મેલડીમાતાના મંદિર પાસે સવારે 10.45 વાગ્યે પહોંચ્યા હતા. આ રેલીમાં બપોરે 12.45 વાગ્યા આસપાસ ટ્રકમાં તેઓ હતો ત્યારે તેમના ખિસ્સાનું પાકીટ ગુમ થયું હોવાની તેમને જણાયું. જેમાં વિવિધ બેંકના ક્રેડિટ કાર્ડ તથા ઓરિજનલ ડોક્યુમેન્ટ પણ હતા અને લગભગ રૂ.14000 જેટલી રોકડ હતી. સાંસદની ફરિયાદના આધારે કાગડાપીઠ પોલીસે બહેરામપુરા વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT