રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ મૂરતિયાઓ નક્કી કરવામાં લાગી છે. ભાજપમાં પણ ટિકિટ માટે ભારે રસાકસી જામી છે. જૂના ધારાસભ્યોની સાથે સાથે આ વખતે અન્ય દાવેદારો પણ મેદાનમાં ઉતર્યા છે. ત્યારે રાજકોટની ગોંડલ બેઠક પરથી આ ચૂંટણીમાં કોને ટિકિટ મળવી જોઈએ તેને લઈને ભાજપના સાંસદ રમેશ ધડૂકે મોટું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
સાંસદ રમેશ ધડૂકે ટિકિટની વહેંચણી મુદ્દે શું કહ્યું?
ગોંડલના ચોરડી ખાતે ગઈકાલે વૈષ્ણવ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જયેશ રાદડીયા, સાંસદ રમેશ ધડૂક સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સાંસદ રમેશ ધડૂકે ટિકિટની વહેંચણી મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રમેશ ટીલાળા ગોંડલથી ચૂંટણી નહીં લડે. રાજકોટની કોઈ સીટ પરતી ટિકિટ મળશે તો ચૂંટણી લડશે.
ગોંડલમાંથી કોને ટિકિટ મળે એવી ઈચ્છા દર્શાવી?
આ સાથે જ સાંસદે કહ્યું કે, ગોંડલ બેઠક પરથી જેને પણ ટિકિટ મળે તેમને અમારું સમર્થન રહેશે. પરંતુ ગીતાબા જાડેજાને રિપીટ કરવામાં આવે તેવી મારી ઈચ્છા છે. આ સાથે જ રમેશ ધડૂકે ગોંડલ સીટ પર ચાલતા જૂથવાદને પણ ખતમ કરવાના પ્રયાસો કર્યા હોય તેમ કહ્યું હતું અને આગામી લોકસભાની ચૂંટણી હું નહીં લડું તેવું તેમણે અંતમાં ઉમેર્યું હતું.
ગોંડલમાં ટિકિટ માટે ભાજપના બે જૂથ સામ સામે
નોંધનીય છે કે, ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજા અને રીબડા જૂથના અનિરુદ્ધસિંહ જાડેજાએ ટિકિટની માગણી કરી છે. ટિકિટને લઈને બંને ક્ષત્રીય જૂથોમાં લાંબા સમયથી વિવાદ પણ ચાલી રહ્યો છે. ત્યારે આ વિવાદને ખાળવા માટે પાટીદાર નેતાને ટિકિટ આપવામાં આવી શકે છે તેવી ચર્ચાઓ ઉઠી હતી.
ADVERTISEMENT