નર્મદા: ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર નર્મદા નદીમાં થઈ રહેલા રેતી ખનનનો મામલો ઉછાળ્યો છે. સાંસદે મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ફરિયાદ કરી છે કે, નર્મદાના પટમાંથી બેફામ રીતે રેતીનું ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે. આ રેતી ખનનમાં મોટા રાજકીય માથાઓની પણ સંડોવણી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
ADVERTISEMENT
‘5 મીટરની મંજૂરી સામે 30 મીટર સુધી રેતી કાઢે છે ખનન માફિયા’
સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં લખ્યું છે કે, ભરુચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં નર્મદા નદીના પટમાંથી મોટાપાયે ગેરકાયદેસર રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. નારેશ્વરની નજીક લિલોડ ગામ તથા ઓઝ ગામના સામેના કાંઠા સુધી મોટા રેતીના પાળા બનાવ્યા છે. જેના કારણે નદીનો પ્રવાહ રોકાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકાર નદીમાંથી 5 મીટરની ઊંડાઈએથી રેતી કાઢવાની મંજૂરી આપે છે. પણ આ રેતી માફિયાઓ 30 મીટર સુધી ખોદી કાઢે છે.
મોટા રાજકીય માથાઓની જ કૌભાંડમાં સંડોવણી
સાંસદે વધુમાં લખ્યું છે કે, રાત્રે 11થી 12ની વચ્ચે રેતી લઈને જતી ટ્રકો રોયલ્ટી વિનાની હોય છે. રેતી માફિયાઓ રોયલ્ટીની ચોરીઓ પણ કરે છે. આ ગેરકાયદેસર ખનનમાં મોટા રાજકીય માથાઓ સંડોવાયેલા છે. આ મુદ્દે સરકાર ઊંડી તપાસ કરે અને આવી ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ બંધ કરાવે. નોંધનીય છે કે, ગત વર્ષે પણ સાંસદ મનસુખ વસાવાએ રેતી ખનનનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે વર્ષ બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી એવામાં ફરી તેમણે આ મુદ્દો સરકારને ધ્યાનમાં લાવવાનો પ્રયાસ કર્યો છે. હવે જોવાનું રહેશે કે ભૂપેન્દ્ર સરકાર અને અધિકારીઓ આળસ મરડીને આ ગેરકાયદેસર ખનન રોકાવશે કે પછી રાજકીય વગદાર લોકોની સંડોવણીના કારણે આમ જ ચાલતું રહેશે.
ADVERTISEMENT