નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર દરમિયાન ભાજપના સાંસદ તથા બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ રૂ.2000ની ચલણી નોટોને બંધ કરવાની રજૂઆત કરતા આવી નોટોને બ્લેક મની અને જમાખોરીનું જડ બતાવ્યું છે. રાજ્યસભામાં સાર્વજનિક મહત્વના મામલા પર ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે, 2000ની નોટ, એટલે બ્લેક મની… 2000ની નોટ એટલે હોર્ડિંગ… જો બ્લેક મની રોકવી હોય તો 2000 રૂપિયાની નોટો બંધ કરવી પડશે…’
ADVERTISEMENT
બ્લેક મનીમાં 2000ની નોટો વપરાય છે?
ભાજપના સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે, 2000 રૂપિયાની નોટનું સર્ક્યુલેશનની હવે કોઈ જરૂર નથી. મારો ભારત સરકારને આગ્રહ છે કે ચરણબદ્ધ રીતે ધીમે-ધીમે 2000 રૂપિયાની નોટ પાછી લઈ લેવી જોઈએ. મોટી સંખ્યામાં લોકો આ નોટોની જમાખોરી કરી રહ્યા છે. માત્ર ગેરકાયદેસર વેપારમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. માદક પદાર્થોની તસ્કરી, મની લોન્ડ્રીંગ અને આતંકવાદ ફંડિંગ સહિત ઘણા દગુનાઓમાં આ નોટોનો મોટી સંખ્યામાં ઉપયોગ થાય છે. દુનિયાની તમામ આધુનિક અર્થવ્યવસ્થાઓમાં મોટી નોટોનું પ્રચલન બંધ થઈ ગયું છે. અમેરિકામાં પણ વધુમાં વધુ 100 ડોલર છે ત્યાં પણ 1000 ડોલરની નોટ નથી.
2016માં નોટબંધી વખતે 2000ની નોટો બહાર પડાઈ હતી
8 નવેમ્બર 2016ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તે સમયે ચલણમાં રહેલી રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટોને અમાન્ય જાહેર કરી દીધી હતી, અને 9 ડિસેમ્બર 2016થી જ તેને બંધ કરવાની જાહેરાત કરી હતી. આ નોટબંધી બાદ 500 રૂપિયાની નવી નોટો સાથે-સાથે રૂ.2000ની નોટો પણ જારી કરવામાં આવી હતી. સરકારી જાણકારી મુજબ અમુક વર્ષો બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટ પ્રિન્ટ કરવાનું બંધ કરી દીધું હતું.
ADVERTISEMENT