વિરમગામ: આજે વિશ્વભરમાં પ્રેમના દિવસ એવા વેલેન્ટાઈન્સ દિવસની ઉજવણી થઈ રહી છે. ગુજરાતની જ વાત કરીએ તો ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, AAPના MLA ચૈતર વસાવાએ પ્રેમ લગ્ન કર્યા છે. તો વિરમગામથી ભાજપના નવા ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હાર્દિક પટેલની પણ કિંજલ સાથેની લવ સ્ટોરી એકદમ ફિલ્મી છે. ખાસ વાત એ છે કે હાર્દિક પટેલની લવ સ્ટોરી કોલેજ સમયથી જ ચાલતી હતી. જેમાં અનામત આંદોલન શરૂ થયા બાદ અનેક પડકારો આવ્યા પરંતુ કિંજલ હંમેશા હાર્દિકની પડખે રહી અને આખરે બંનેના લગ્ન થયા.
ADVERTISEMENT
કિંજલે વકીલાતનો અભ્યાસ કરેલો છે
હાર્દિક પટેલ અને કિંજલ બંને બાળપણથી જ એકબીજાને સારી રીતે ઓળખતા હતા. કિંજલ વિરમગામની જ છે અને તે વૈષ્ણવ પરીખ પરિવારમાંથી આવે છે. તેણે BA, MA અને LLB સુધીનો અભ્યાસ કરેલો છે. કિંજલના પિતાનો વિરમગામ GDICમાં બિઝનેસ છે. બંને બાળપણથી જ એકબીજાને ઓળખતા હોવાથી તેમના વચ્ચે થોડી થોડી વાતો થતી અને સમય સાથે તેમની વચ્ચેની વાતો વધતી ગઈ અને ક્યારે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા તેની ખબર જ ન રહી. કિંજલ હોસ્ટેલમાં હતી ત્યારે ઘણી વાર હાર્દિક સાથે ફોનમાં વાત કરતા બાદમાં એક વખતે હાર્દિકે કિંજલને પ્રપોઝ કર્યું અને કિંજલે પણ હા પાડી દીધી.
2012થી શરૂ થઈ હતી બંનેની લવ સ્ટોરી
જોકે પાટીદાર આંદોલનથી રાજનીતિમાં આવેલા હાર્દિક પટેલ માટે પ્રેમમાં અનેક કપરા પડકાર આવ્યા હતા. 2012થી શરૂ થયેલી આ લવ સ્ટોરી 7 વર્ષ સુધી ચાલી. જોકે 2014-1015માં પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલને જેલમાં જવાનો વારો આવ્યો. એવામાં પરિવાર હાર્દિકને લઈ ચિંતાતુર હતો કે આગળ શું થશે. ત્યારે હાર્દિકે જેલમાં બેઠા બેઠા બહેનને કહ્યું કે, તે આંદોલન પૂર્ણ થયા બાદ કિંજલ સાથે લગ્ન કરશે. હાર્દિકની બહેને આ વાત ઘરે માતા-પિતાને કરી તેઓ પહેલાથી જ કિંજલને ઓળખતા હતા એટલે તેઓ રાજી થઈ ગયા. હાર્દિક જેલમાં હતો ત્યારે જ કિંજલના ઘરે તેના માતા પિતાએ સગપણ અને લગ્નની વાત નાખી દીધી હતી. કિંજલના પરિવારે પણ હાર્દિક જેલમાં હોવા છતાં આગળની કોઈ પણ વિચાર કર્યા વગર હા પાડી દીધી અને 27 જાન્યુઆરી 2019 ના રોજ, હાર્દિક પટેલે તેની બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે લગ્ન કર્યા.
હાર્દિક જેલમાં હતો ત્યારે પત્રથી કિંજલ સાથે વાત કરતો
હાર્દિક પટેલને અનામત આંદોલનના કારણે જેલમાં જવું પડ્યું ત્યારે કિંજલને તેની ખૂબ ચિંતા હતી. છતાં તેણે હાર્દિકને દરેક બાબતમાં સપોર્ટ કર્યો. તે જેલમાં હતો ત્યારે પણ કિંજલ સાથે પત્રથી વાતો થતી. આંદોલન બાદ કોંગ્રેસમાં જોડાવામાં અને બાદમાં ભાજપમાં જોડાવાના હાર્દિકના તમામ નિર્ણયમાં કિજલ તેની સાથે રહી અને સંપૂર્ણ સમર્થન કર્યું. જોકે લગ્ન બાદ પણ કિંજલની એક ઈચ્છા હજુ અધૂરી છે જે હાર્દિક પૂરી કરવા માગે છે. કિંજલને ફોટોગ્રાફીનો ખૂબ શોખ છે, પરંતુ લગ્ન સમયે ખૂબ જ ઓછા લોકો હાજર હોવાથી પ્રી-વેડિંગ કે ફોટોશૂટ નહોતું થઈ શક્યું. એવામાં હવે સમય મળે ત્યારે કિંજલ સાથે ફોટોશૂટ કરાવવાની હાર્દિકની ઈચ્છા છે.
ADVERTISEMENT