અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને (Vijay Rupani) પંજાબ અને ચંદીગઢમાં પ્રભારી બનાવી ભાજપે (BJP) સૌ કોઈને ચોંકાવી દીધા. રાજ્યમાં ચૂંટણી પ્રચારની જવાબદારી વચ્ચે વિજય રૂપાણીને ગુજરાત બહાર નિયુક્તિથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે આ વખતે રાજકોટની બેઠક પર ભાજપ કોઈ નવા ઉમેદવારને ટિકિટ આપીને ઉતારી શકે છે. જે બાબત ગુજરાતમાં રૂપાણીનો રોલ પૂરો થવાના સંકેત આપી રહી છે.
ADVERTISEMENT
પંજાબમાં રૂપાણીને નવો રોલ અપાયો
પંજાબમાં અત્યારે આમ આદમી પાર્ટીની સરકાર છે અને જ્યાં ચાર વર્ષ બાદ ચૂંટણી યોજાવાની છે. આ વખતની ચૂંટણીમાં ભાજપને 117માંથી માંડ 3 બેઠકો મળી હતી. લોકસભામાં પણ પંજાબમાં 13માંથી 2 સીટો ભાજપ પાસે છે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણી ચાર વર્ષ બાદ યોજાવાની છે, એવામાં વિજય રૂપાણીએ હાલ તો પંજાબમાં 2024ની લોકસભા ચૂંટણી માટે કામ કરવું પડશે.
રાજકોટ બેઠક પરથી નવા ઉમેદવારને ઉતારી શકે ભાજપ
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સંગઠનના નેતા છે અને તેઓ અગાઉ પણ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. તાજેતરમાં જ તેઓ અંબાજી દર્શને ગયા હતા જ્યાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, પાર્ટી ટિકિટ આપશે તો વિધાનસભાની ચૂંટણી લડીશ અને નહીં આપે તો ભાજપને જીતાડવાનું કામ કરીશ. એવામાં તેઓ પંજાબ અને ચંદીગઢમાં પ્રભારી બનતા રાજકોટ બેઠક પરથી ભાજપને અન્ય ઉમેદવાર મેદાનમાં ઉતારવા પડશે તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.
ભાજપે તમામ જવાબદારીઓ અત્યારથી જ સંભાળી
ભાજપે રાજ્યોના નવા પ્રભારી નિયુક્ત કર્યા છે. બિહારના પ્રભારી તરીકે વિનોદ તાવડે, હરીશ દ્વિવેદીને સહપ્રભારી બનાવાયા છે. ઓમ માથુરને છત્તીસગઢ, નિતિન નવીનને સહ પ્રભારી, હરિયાણા વિપ્લવ દેવ, ઝારખંડના લક્ષ્મીકાંત વાજપેયી, કેરળ પ્રકાશ જાવડેકર, મધ્ય પ્રદેશ મુરલીધર રાવ, પંજાબ વિજય રૂપાણી, તેલંગાણા તરુણ ચુગ, રાજસ્થાન અરુણ સિંહ, ત્રિપુરા મહેશ શર્મા અને પશ્ચિમ બંગાળમાં મંગલ પાંડેને પ્રભારી બનાવાયા છે. જ્યારે સંબિત પાત્રાને સમગ્ર ઉત્તરપૂર્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ADVERTISEMENT