‘આપણા સમર્થક ના હોય તેવા બુટલેગરોની યાદી બનાવી જલ્દી મોકલો’, ચૂંટણી પહેલા BJPનો કથિત પત્ર વાયરલ

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનો એક કથિત પત્ર વાઈરલ થતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. ચૂંટણીની વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથેના આ કથિત પત્રમાં ભાજપ…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનો એક કથિત પત્ર વાઈરલ થતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. ચૂંટણીની વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથેના આ કથિત પત્રમાં ભાજપ સમર્થક ના હોય તેવા બુટલેગરોની યાદી તાત્કાલિક તૈયાર કરવાની વાત કરવામાં આવી છે. આ મામલે વિવાદનો મધપૂડો છેડાતા હવે કોંગ્રેસ દ્વારા ભાજપને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ભાજપના કથિત પત્રમાં 13 નંબરનો મુદ્દાથી વિવાદ છંછેડાયો
ગુજરાતમાં ચૂંટણી પહેલા હાલમાં અમદાવાદ ભાજપનો એક કથિત પત્ર વાઈરલ થઈ રહ્યો છે. આ કથિત પત્રમાં ચૂંટણી વ્યવસ્થા માટે ઉપયોગી મહત્વના મુદ્દાઓનું સૂચન કરવામાં આવ્યું છે. પત્રમાં સૂચવાયેલા 18 જેટલા મુદ્દાઓમાં 13માં મુદ્દામાં ‘આપણા સમર્થક ના હોય તેવા બુટલેગરોની યાદી બનાવી જલ્દી મોકલવી.’ એમ કહેવામાં આવ્યું છે. જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ પત્રને લઈને હવે કોંગ્રેસ દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. જોકે ભાજપ દ્વારા આ મામલે કોંગ્રેસે ખોટો પત્ર બનાવી વાયરલ કર્યો હોવાનો ખુલાસો કર્યો છે.

કોંગ્રેસે ભાજપ પર કર્યા આક્ષેપ
વાઈરલ પત્રને લઈને કોંગ્રેસના નેતા મનીષ દોશીએ Gujarat Tak સાથેની વાતચીતમાં કહ્યું કે, આ શોકિંગ છે કે ભાજપનો અસલી ચહેરો સામે આવે છે. આપણી સાથે ના હોય તેવા બુટલેગરોનું લિસ્ટ તૈયાર કરી જમા કરાવવું. મને લાગે છે આ 13 નંબરની શરત ઈલેક્શન મેનેજમેન્ટ માટે સૂચનો આપે તેનો આ મુદ્દો છે. આ દેખાય છે કે ભાજપ સત્તા ટકાવી રાખવા માટે કેવા કેવા લોકોનો સહયોગ લે છે અને કઈ પ્રકારે કહી રહી છે. આ ગંભીર અને ચિંતાજનક વિષય છે અને આનો જવાબ ભાજપે જ આપવો જોઈએ અને ગુજરાતીઓ માટે પણ ચિંતાનો વિષય છે કે ભાજપ ચૂંટણી જીતવા કઈ હદનું આયોજન કરે છે. અમે આ વાત જનતાની અદાલતમાં મૂકી છે. હવે લોકોએ નક્કી કરવાનું છે કે જે લોકો સલામત ગુજરાતની વાતો કરતા હતા તે કઈ રીતે આગળ વધી રહ્યા છે.

નોંધનીય છે કે, આ કથિત પત્રમાં ઉપર અમદાવાદના ખાનપુર ખાતે આવેલા ભાજપના કાર્યાલયનું સરનામું આપેલું છે. અને પત્રના અંતે નોંધ આપવામાં આવી છે કે ઉપરોક્ત મુદ્દાઓ ચૂંટણી વ્યવસ્થા માટે મહત્વના ઉપયોગી મુદ્દાઓ છે જેનું પોતાના વોર્ડ અને વિધાનસભામાં આગામી ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે આપેલા છે, જેનું અત્યારથી યોજના બનાવીને આયોજન કરવાનું છે.

    follow whatsapp