સંજયસિંહ રાઠોડ/સુરત: સત્તાના તાનમાં નેતા અને તેમના પરિવારજનો શું નથી કરતા તેનું જીવતું જાગતું ઉદાહરણ સુરતમાં સામે આવ્યું છે. ભાજપના નેતા અને સુરત મહાનગર પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર દયાશંકર સિંહના ભાઈએ રસ્તા પર કેળા વેચતા દિવ્યાંગ યુવકને જાહેરમાં ડંડાથી ફટકાર્યો. યુવક પર ડંડા વરસાવતા ભાજપના નેતાના ભાઈનો વીડિયો કોઈએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. હુમલા બાદ પીડાથી કણસતા યુવકે હોસ્પિટલ જવાના બદલે પેન કિલર લઈને જ કામ ચલાવી લીધું.
ADVERTISEMENT
દિવ્યાંગ યુવકને નેતાના ભાઈએ લાકડીથી માર્યો
સુરત મહાનગર પાલિકામાં એક સમયે શાસક પક્ષના નેતા અને ડેપ્યુટી મેયર રહી ચૂકેલા દયાશંકર સિંહના ભાઈ કૃપાશંકર સિંહનો ડિંડોલી વિસ્તારમાં એક લારીવાળા યુવક પર હુમલો કરતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે, યુવક રસ્તા પર લારી લઈને ઊભો છે અને કેળા વેચી રહ્યો છે. આ દરમિયાન હાથમાં પ્લાસ્ટિકનો ડંડો લઈને ભાજપના નેતાના ભાઈ ત્યાં પહોંચે છે અને લારી હટાવવા માટે કહે છે. જોકે યુવક આ મામલે વિરોધ કરે છે. જે બાદ ભાજપના નેતાના ભાઈ કૃપાશંકર સિંહને ગુસ્સો આવી જાય છે અને તે પ્લાસ્ટિકના ડંડાથી દિવ્યાંગ યુવક પર તૂટી પડે છે.
કેળાની લારી ન હટાવી તો લાકડીથી માર માર્યો
ભાજપના નેતાના ભાઈની આ હરકતને કોઈ વ્યક્તિ પોતાના મોબાઈલમાં કેદ કરી લે છે. ડિંડોલીમાં આવેલી ઓન નગર સોસાયટીના કોર્નર પર ભાજપના નેતાના ભાઈની સ્કૂલ આવેલી છે. આ સ્કૂલ બહાર રોડ પર 20 વર્ષનો આકાશ જયસ્વાલ કેળા વેચી રહ્યો હતો. જેની સામે કૃપાશંકર સિંહને વાંધો હતો. આ અગાઉ તેમણે બે વખત યુવકને ત્યાંથી હટી જવા માટે કહ્યું હતું. પરંતુ મંગળવારે સવાર 10 વાગ્યે ફરી તેમને આકાશ સાથે વિવાદ થયો. તે હટ્યો નહીં તો કૃપાશંકરે લાકડી વડે મારવાનું શરૂ કરી દીધું. હવે આ હુમલાનો શિકાર બનેલા આકાશે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કૃપા શંકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
લારી બીજી જગ્યાએ ઊભી રાખો છતાં વાંધો હતો
આ વિશે આકાશે જણાવ્યું કે, કૃપા શંકર તેને સ્કૂલ પાસે લારી ઊભી રાખવાની ના પાડી રહ્યા હતા. આ બાદ કૃપા શંકરે આકાશ જે રોડ પાસે ઊભો રહેતો હતો કે ઝાડ પણ કપાવી નાખ્યું. આ બાદ આકાશ નજીકની દુકાન સામે લારી ઊભી રાખતો હતો. જેની સામે પણ કૃપા શંકરને વાંધો હતો અને તેમણે તેને ત્યાંથી હટી જવા માટે કહ્યું. જવાબમાં આકાશે કહ્યું કે, દુકાનદારને વાંધો હોય અને તે કહે તો લારી હટાવી લેશે. આટલું સાંભળતા જ કૃપા શંકરને ગુસ્સો આવી ગયો અને તેમણે ડંડાથી મારપીટ શરૂ કરી દીધી. આકાશે બી.ટેકનો અભ્યાસ માટે ફોર્મ ભર્યું છે. તેના પરિવારમાં માતા-પિતા અને બે બહેન છે, જેમાંથી એક બહેન કૃપા શંકરની સ્કૂલમાં જ ભણે છે. તેના પર પરિવારની જવાબદારી છે, અને તે શારીરિક રીતે દિવ્યાંગ પણ છે.
ADVERTISEMENT