અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે ચૂંટણી પહેલા તમામ રાજકીય પાર્ટીઓ મૂરતિયાઓને શોધવાની કવાયત કરી રહી છે. ભાજપ દ્વારા હાલમાં જ ઉમેદવારો શોધવા માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વિરમગામ બેઠક પરથી ભાજપના નેતા વરુણ પટેલે પણ દાવેદારી નોંધાવી હતી. આ જ બેઠક પરથી હાર્દિક પટેલે પણ દાવેદારી નોંધાવી છે. ત્યારે ગઈકાલે વરુણ પટેલ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. એવામાં હાર્દિક પટેલ કેમ્પમાં આ મુલાકાત બાદ આશ્ચર્ય સર્જાયું છે.
ADVERTISEMENT
વરુણ પટેલે દિલ્હી જઈ અમિત શાહ સાથે મુલાકાત કરી
વરુણ પટેલે પોતાના ટ્વિટર એક તસવીર પોસ્ટ કરી છે, તેમાં જેઓ અમિત શાહ સાથે છે. સાથે જ તેમણે કેપ્શન આપ્યું છે કે, દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાથે તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને યાદગાર મુલાકાત.
વિરમગામ બેઠક પરથી 15 દાવેદારોએ ટિકિટ માગી
વિરમગામની બેઠક પર ભાજપમાંથી ચૂંટણી લડવા માટે 15 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. જેમાં વરુણ પટેલ, પૂર્વ ધારાસભ્ય તેજશ્રી બેન પટેલ સહિતના ઘણા નેતાઓ મેદાનમાં છે. ત્યારે ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત પહેલા જ વરુણ પટેલની આ મુલાકાત ઘણી સૂચક માનવામાં આવી રહી છે. હાલમાં તો વિરમગામની બેઠક પરથી હાર્દિક પટેલ જ પ્રબળ દાવેદાર ગણાય છે, ત્યારે વરુણ પટેલની આ મુલાકાત બાદ શું હાર્દિક પટેલનું પત્તું કપાશે કે પછી પાર્ટી તેમને ટિકિટ આપશે તેના પર ખાસ જોવાનું રહેશે.
નોંધનીય છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલે આ વખતે વિરમગામ બેઠક પરથી ભાજપમાંથી ટિકિટ માગી છે. આ માટે તેમના સમર્થકો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ વિરમગામમાં ગ્રાઉન્ડ લેવલથી સામાજિક કાર્યક્રમો કરી રહ્યા છે.
ADVERTISEMENT