‘2015 જોઈ છે, હવે 2022માં આ કરવા મજબૂર ના કરો’, BJPના નેતાએ કેમ સરકારને આપી ચીમકી?

ગોંડલ: રવિવારે ગોંડલમાં યુદ્ધ એજ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સેવાનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાહેર જીવનમાં સેવાકીય કાર્ય કરનાર લોકોનું સન્માન કરાયું હતું.…

gujarattak
follow google news

ગોંડલ: રવિવારે ગોંડલમાં યુદ્ધ એજ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સેવાનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાહેર જીવનમાં સેવાકીય કાર્ય કરનાર લોકોનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભાજપના પ્રવક્તા વરુણ પટેલ પણ હાજર હતા. તેમણે ગોંડલમાં નિખિલ દોંગા પર લાગેલા GUJCTOC કાયદાના દુરુપયોગને લઈને સરકાર સામે જ મોર્ચો માંડ્યો હતો.

‘હું ગોંડલમાં 150 લોકોને ઓળખું છું જેના પર GUJCTOC થવી જોઈએ’
વરુણ પટેલે કાર્યક્રમમાં જાહેર મંચ પરથી સરકાર સામે મોરચો માંડતા કહ્યું કે, તમારા વતી જે લાગુ પડતા હોય તે તમામને કહેવા માગું છું કે, હું ગોંડલમાં 150 લોકોને ઓળખું છું જેના પર ગુજસીટોક થવી જોઈએ પણ એની ઉપર થઈ નથી. ખાલી ટાર્ગેટ કરીને એક જ વ્યક્તિને કે કોઈ સમાજનો યુવાન બાહુબલી બની ગયો છે, મર્દ બની ગયો છે એને કન્ટ્રોલ કરવા માટે તમે આવી રીતે કલમોનો ઉપયોગ કરશો તો 2015 તમે બધાયે જોઈ છે, ફરીથી 2022માં અમારે આ નથી કરવું, ફરી આ કરવા મજબૂર ન કરો.

સરકાર સામે જ વરુણ પટેલે મોરચો માંડ્યો
વરુણ પટેલે આગળ કહ્યું, આ વસ્તુ ખાલી ગોંડલમાં નથી. જામનગરમાં પણ આપણો PAASનો કન્વીનર છે તે પણ ગુજસીટોકમાં અંદર છે. હું જામનગરમાં પણ 150 લોકોને ઓળખું છું જેમના પર ગુજસીટોક લાગવી જોઈએ તે લાગતી નથી. ટાર્ગેટ કરીને કોઈપણ વ્યક્તિ, કોઈપણ સમાજના યુવાનો પર ગુજસીટોક લાગવી ન જોઈએ અને લાગેલી હોય તો વહેલામાં વહેલી તકે હટાવવી જોઈએ. અને ના હટે તો યુદ્ધ એજ કલ્યાણના મિત્રોને વિનંતી કરું છું કે જે કરવું પડે તે કરવું જોઈએ. જે કરશો તેમાં હું ખભે ખભો મિલાવી તમારી જોડે ઊભો રહીશ.

શું છે GUJCTOC કાયદો?
GUJCTOC (ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ) એક્ટ-2015 ખૂન, ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી, આર્થિક ગુના, આર્મ્સ એક્ટ, વિસ્ફોટક નિયંત્રણ ધારાભંગ, લૂંટ, ચોરી, છેડતી, મોટા સાયબર ગુના અને મોટા પાયે જુગાર, માનવ તસ્કરી કૌભાંડ સહિતની પ્રવૃત્તિઓમાં લાગે છે.

    follow whatsapp