પાટણ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં નેતાઓ મતદારોને રીઝવવા માટે તમામ પ્રયાસો અજમાવી રહ્યા છે. ચૂંટણી આવતા જ રાજકીય પક્ષો વોટ માટે હિન્દુ-મુસ્લિમની રાજનીતિ શરૂ કરી દે છે. ત્યારે ભાજપના નેતાનું વિવાદિત નિવેદનનો વીડિયો હાલમાં સામે આવી રહ્યો છે. જેમાં તેઓ મંદિર બનાવવાના હકમાં હોય તેઓ ભાજપને અને મસ્જિદ બનાવવાના સમર્થનમાં હોય તે લોકો કોંગ્રેસની સાથે રહે તેમ જાહેરમાં કહી રહ્યા છે.
ADVERTISEMENT
ભાજપના નેતાના વિવાદિત નિવેદનથી રાજકારણ ગરમાયું
પાટણમાં પાલિકા કોર્પોરેટર અને ભાજપના પૂર્વ શહેર પ્રમુખ મનોજ પટેલે ચૂંટણી સભા દરમિયાન મંદિર અને મસ્જિદને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. પાટણમાં ભાજપના ઉમેદવાર ડો. રાજુલ દેસાઈની સભા હતી જેમાં મનોજ પટેલે કહ્યું કે, ‘મંદિર બનાવવું છે કે મસ્જિદ બનાવવી છે? બોલા ભાઈ. તો જેમણે મંદિર બનાવવું હોય તે ભાજપ સાથે રહે અને જેને મસ્જિદ બનાવવી હોય તે કોંગ્રેસ સાથે રહે.’
ગઈકાલે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પણ આપ્યું હતું વિવાદિત નિવેદન
નોંધનીય છે કે, ગઈકાલે કોંગ્રેસના નેતાએ પણ બફાટ કર્યો હતો. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ એક સભામાં કહ્યું કે, મારા મત મુજબ તો અલ્લાહ અને મહાદેવ એક જ છે. અજમેરમાં મહાદેવ છે તો સોમનાથમાં અલ્લાહ બેઠા છે. આની સાથે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ અલ્લાહ હુ અકબરના નારા લગાવ્યા હતા. અત્યારે આ વીડિયો પવન વેગે વાઈરલ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં વોટબેંકની રાજનીતિ માટે આ કૃત્ય કર્યું હોવાની ચર્ચા વહેતી થઈ છે.
ટોપલામાં દારૂ વેચાવડાવવાની લાલચ આપી
તો ભાજપના બનાસકાંઠાના દાંતા વિધાસનભા બેઠક પરથી ઉમેદવાર લાલુ પારઘીનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયો છે. તેમણે પણ પોતાના ભાષણમાં દારુબંધીના લીરેલીરા ઉડાવચી વાત કરી હતી. તેઓ મતદારોને આકર્ષવા કહે છે કે, દેશી દારુ અને વિદેશી દારુ બંને મામલે કહે છે કે મારી બેન સંતાડીને દારુ વેચે છે. કેટલાક અંગ્રેજી દારુ ખુલ્લામાં વેચે છે. પણ ચિંતા ન કરો, હું જીતી જઈશ તો ટોપલામાં દારુ વેચાવડાવીશ.
ADVERTISEMENT