Vadodara News: ડભોઈના વોર્ડ નંબર 2 કોર્પોરેટરને 6 વર્ષ માટે ભાજપે સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી ગયો છે. હકીકતમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બે દિવસ અગાઉ રેડ કરી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં હિતેશ પાટણવાડીયા નું નામ ખૂલ્યું હતું. જે બાદ ભાજપે હવે કોર્પોરેટર હિતેશ ઉર્ફે મોન્ટુ પાટણવાડીયાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
ADVERTISEMENT
બાતમીના આધારે પાડવામાં આવ્યા હતા દરોડા
ડભોઈ શહેરના રેલવે સ્ટેશન સામે આવેલા દેસાઈવાડ ખાતે છેલ્લા ઘણા સમયથી દારૂનું મોટાપાયે વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરને મળી હતી. જેના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે હિતેશ તડવી અને મનહર ઠાકોરના મકાનમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ટીમે મોટી માત્રામાં દારુનો જથ્થો ઝડપી પાડી બે બુટલેગરોને ઝડપી લીધા હતા, જ્યારે 3 ફરાર થઈ ગયા હતા હતા.
તપાસમાં હિતેશ પાટણવાડીયાનું ખુલ્યું હતું નામ
જે બાદ આ બંનેની પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવતા તેઓ પોપટની જેમ બોલવા લાગ્યા હતા. તેઓેએ કબૂલ્યું હતું કે આ દારૂ કોર્પોરેટર હિતેશ ઉર્ફે મોન્ટુ પાટણવાડીયાએ મંગાવ્યો હતો. આ દારૂને વેચવા માટે તેઓને નોકરીએ રાખવામા આવ્યા હતા અને આ માટે હિતેશ પગાર પણ આપતો હતો.
પાર્ટીએ 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ
દારૂના વેપલામાં ભાજપાના નેતાનું નામ આવતાં જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. જેથી ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લાના પ્રમુખ સતિષભાઈ પટેલે તાત્કાલિક કડક પગલાં ભર્યા હતાં અને તેઓને પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ કર્યા છે.
ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા
ADVERTISEMENT