અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પહેલા જ ભાજપના નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી એવા જય નારાયણ વ્યાસે આજે રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતમાં ચૂંટણીના પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી છે. ચૂંટણી પહેલા જ બંને નેતાઓ વચ્ચે થયેલી મુલાકાતથી અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. આ સૂચક મુલાકાત બાદ તેઓ કોંગ્રેસમાં જોડાય તેવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
અમદાવાદમાં સર્કિટ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાત
આજે અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત અને ભાજપના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ વચ્ચે બંધ બારણે મુલાકાત થઈ હતી. માહિતી મુજબ લગભગ 20 મિનિટ સુધી બંને નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. ત્યારે ચૂંટણી પહેલા જ તેમની આ મુલાકાતને સૂચક માનવામાં આવી રહી છે. વર્ષ 2017માં જયનારાયણ વ્યાસ પાટણની સિદ્ધપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.
ગુજરાતમાં ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો
નોંધનીય છે કે, ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પહેલા સતત ગરમાવો આવી રહ્યો છે. આવતીકાલે PAAS નેતા અલ્પેશ કથિરીયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાવવા જઈ રહ્યા છે. અલ્પેશ કથિરીયાની સાથે તેમના સાથી ધાર્મિક માલવિયા પણ AAPનો ખેસ ધારણ કરશે. અલ્પેશ કથિરીયાએ અગાઉ પોતે જ જણાવ્યું હતું કે તેમને ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી તમામ દ્વારા તેમના પક્ષમાં જોડાવવા માટે આમંત્રણો મળી રહ્યા છે. ત્યારે હવે આખરે તેમણે AAP સાથે જોડાવવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT