સંજયસિંહ રાઠોડ/સુરત: લોકો ઘણીવાર તેમના વૃદ્ધાવસ્થામાં ધાર્મિક યાત્રાઓનું આયોજન કરે છે. નિવૃત્ત જીવનના ધાર્મિક તીર્થયાત્રા કરીને પુણ્ય પ્રાપ્ત કરવા ચારધામની યાત્રાએ જતા હોય છે. ત્યારે સુરતમાં કેટલાક વૃદ્ધોને સસ્તામાં ધાર્મિક યાત્રાએ લઈ જવાના સપના બતાવીને ભાજપના મહિલા કાર્યકર અને તેમના પુત્રએ પૈસા પડાવીને છેતરપિંડી આચરી છે. તમામ વૃદ્ધોએ સુરતના ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરનાર માતા અને તેના પુત્ર વિરુદ્ધ FIR નોંધાવી છે.
ADVERTISEMENT
ભાજપના મહિલા નેતા-દીકરાએ વૃદ્ધોને છેતર્યા
ભાજપના મહિલા કાર્યકર જયશ્રી લુણાગરિયા અને તેમનો પુત્ર અજય સસ્તા દરે ધાર્મિક યાત્રા કરાવવાના સપના બતાવીને વૃદ્ધોને છેતરતા હોવાનો મામલો સામે આવ્યો છે. જેથી તેમની લાલચમાં આવીને યાત્રા માટે પૈસા ભરનારા વૃદ્ધો તેમના ષડયંત્રમાં ફસાઈ જતા. બંને મા-દીકરો વૃદ્ધો પાસેથી આ રીતે પૈસા પડાવીને બાદમાં ગાયબ થઈ જતા. ત્યારે એક-બે નહીં શહેરના ત્રણ-ત્રણ પોલીસ સ્ટેશનમાં આ માતા-દીકરા વિરુદ્ધ છેતરપિંડીનો ભોગ બનનારા વૃદ્ધોએ પરિયાદ નોંધાવી છે.
1.23 લાખની છેતરપિંડી
સુરત પોલીસના ACP ઝેડ.આર.દેસાઈએ જણાવ્યું કે, ખડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વૃદ્ધાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની સોસાયટીમાં એક અજય નામના વ્યક્તિએ ઘણા બધા વૃદ્ધોને એકઠા કરીને જાહેરાત કરી હતી કે તેઓ પોતે ટૂર સંચાલક છે અને માત્ર 2-3 હજાર રૂપિયામાં ચારધામની યાત્રા અને ઉત્તર ભારતની યાત્રા કરાવે છે. જેથી વૃદ્ધા અને તેમના આસપાસના લોકોએ પૈસા જમા કરાવ્યા હતા. જે કુલ રકમ 1.23 લાખ જેટલી હતી. અજયે તેમને ફેબ્રુઆરીમાં ટૂર કરાવવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ ટૂર કરાવી નહોતી.
3-3 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
અજય નામનો આરોપી વિરુદ્ધ અગાઉ અડાજણ અને અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં પણ આ જ પ્રકારનો ગુનો દાખલ થઈ ચૂક્યો છે. તેમના માતા જયશ્રીબેન પણ બે પોલીસ સ્ટેશનની ફરિયાદમાં આરોપી છે. તેમનો ટાર્ગેટ માત્ર સીનિયર સીટિઝન અને વૃદ્ધો હતા. જેમને સસ્તા દરે ધાર્મિક યાત્રા કરાવવાની લાલચ આપીને છેતરતા હતા.
ADVERTISEMENT